ચોમાસાની શરુઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું, તંત્રએ સ્કૂલોને આપ્યો ખાસ આદેશ
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. જેને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ મન મુકીને મેધરાજા વરસી રહ્યા છે. ત્યારે વરસાદને કારણે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
મળતી માહિતી મુજબ ચોમાસાની શરૂઆત થવાની સાથે જ અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણકારી મુજબ જૂન મહિનામાં ડેન્ગ્યુના 11 કેસ,સાદા મેલેરિયાના 42 કેસ,ઝાડા ઉલ્ટીના 607 કેસ , કમળાના 107 કેસ, ટાઈફોઇડના 238 કેસ નોંધાયા છે.
પાણીના 80 સેમ્પલ ફેઇલ ગયા
મહત્વનું છે કે ચાલુ માસ દરમિયાન લેવામાં આવેલા પાણીના 80 સેમ્પલ ફેઇલ ગયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને મચ્છરની ઉત્તપતિ બાબતે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
તંત્રએ સ્કૂલોને આપ્યો આ આદેશ
વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહિ તે માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ તંત્ર દ્વારા અમદાવાદની તમામ સ્કૂલોને નીચે મુજબના આદેશ આપવામા આવ્યા છે.
- શેક્ષણિક સંકુલમાં મચ્છરજન્ય રોગચાળા અંગે શાળાઓએ રિપોર્ટ સોંપવાનો રહેશે
- જે તે સંકુલના નોડલ અધિકારીઓ દ્વારા AMC ને સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ આપવાનો રહેશે
- સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાઓમાં કરવામાં આવેલી સફાઈ અને કામગીરીની તસવીરો મોકલવાની રહેશે
- ખુલ્લા મેદાન,પાણીની ટાંકી અને શૌચાલયમાં સવિશેષ કાળજી રાખવાની રહેશે
આ પણ વાંચો :અમદાવાદ રાજકોટ હાઇવે બંધ, લીંબડી પાસે પુલ ઉપર ખાડો પડતા 25 કીલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો