આપણો ભારત દેશ સદીઓથી ખેતી સાથે સંકળાયેલો છે. જેમાં અનેક પ્રયોગો ખેડૂતો દ્વારા કરી ખેતી કરવામાં આવે છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને આજના આ ટેકનોલોજીના યુગમાં ખેડુતો આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રસાયણોથી દુર રહી કુદરતી પાકનુ ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડી કમાણી કરી રહ્યા છે. ત્યારે હાલાર પંથકના ખંભાળીયા તાલુકાના હાપીવાડી ગામના ખેડુત મહેન્દ્રભાઇ કણજારીયા પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનુ વાવેતર કરી આર્થિક રીતે પગભર બન્યા છે.
સાડા ચાર વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી વર્ષે બેથી અઢી લાખની કમાણી કરે છે
મહેન્દ્રભાઇએ જણાવ્યુ કે, હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહયો છું. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરું છું. શીયાળુ અને ચોમાસુ એમ બે ઋતુ દરમિયાન પાક લઇ વર્ષે બેથી અઢી લાખની કમાણી કરી રહ્યો છું. પહેલા હું રસાયણના ઉપયોગથી ખેતી કરતો હતો. આ પ્રકારની ખેતીથી જમીન અને આરોગ્ય બંનેને નુકશાન પહોંચી રહ્યુ હતુ. જેથી મને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને એ જ વિચારને અમલી બનાવ્યો હતો.
જાતે જ બનાવે છે કુદરતી ખાતર જીવામૃત અને પંચગવ્ય
વધુમાં મહેન્દ્રભાઇએ કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીની સાથે સાથે કુદરતી ખાતર જીવામૃત અને પંચગવ્ય પણ જાતે જ બનાવું છું. જેથી વધુ પ્રમાણમાં ખર્ચ થતો નથી. જીવામૃત અને પંચગવ્ય જેવા કુદરતી ખાતર બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા ગાયના છાણ અને ગૌમુત્રથી જમીનની અંદર શુષુપ્ત અવસ્થામાં રહેલા અળશિયા જમીનના ઉપરના સ્થળ પર આવી જાય છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલા આ શાકભાજી જામનગર અને ખંભાળિયામાં વેચુ છું. આ ઉપરાંત આ જ રીતથી મેં બટાકાનું વાવેતર પણ કર્યુ હતું. 250 કિલો બટાકા વાવ્યા હતા તેમાં પણ મને સારો ફાયદો થયો હતો. આજે હું અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે અનુરોધ કરું છું.