આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના આદીવાસી વિસ્તારની શૈક્ષણિક વ્યવસ્થાની ખોલી પોલ
-
ચૈતર વસાવા:
- આદિવાસી વિસ્તારની સરકારી શાળાઓની અપુરતી સગવડને લીધે આદિવાસી બાળક તેજસ્વી હોવા છતાં ભણી શકતા નથી.
- શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સનદી અધિકારીઓને શિક્ષકોએ આદિવાસી વિસ્તારની માત્ર સારી સારી શાળાઓ જ બતાવી.
- સરકારનું સુત્ર “ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત” આદિવાસી વિસ્તારમાં કેવી રીતે લાગુ પડે છે એ મને સમજાતું નથી.
- આદિવાસી વિસ્તારની જર્જરીત શાળાઓ બાબતે સરકારમાં રજુઆતો કરી છતાં સરકાર આંખ આડા કાન કરે છે.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના આદીવાસી વિસ્તારની શૈક્ષણિક વ્યવસ્થાની પોલ નાખી ખોલી છે. એમણે જણાવ્યું હતું કે સરકારનું સુત્ર “ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત” આદિવાસી વિસ્તારમાં કેવી રીતે લાગુ પડે છે એ મને સમજાતું નથી.ગુજરાતના સનદી અધિકારી ડો.ધવલ પટેલે છોટાઉદેપુર વિસ્તારની શાળાઓ મુદ્દે સરકારમાં જે રિપોર્ટ કર્યો છે એવાં સનદી અધિકારીને ચૈતર વસાવાએ અભિનંદન આપ્યા હતા.
View this post on Instagram
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અનેક સનદી અધિકારીઓએ આદિવાસી વિસ્તારની શાળાઓની મુલાકાત લીધી હતી. પણ એ સનદી અધિકારીઓને શિક્ષકોએ માત્ર સારી સારી શાળાઓ જ બતાવી હતી. મે પોતે પણ અનેક વાર આદિવાસી વિસ્તારની જર્જરીત શાળાઓ બાબતે સરકારમાં રજુઆતો કરી છે, તે છતાં સરકાર આંખ આડા કાન કરે છે, સરકાર શાળાઓની હાલત સુધારવા માટે ફક્ત હૈયાધારણા આપે છે. નર્મદા, દાહોદ, વલસાડ અને ડાંગ સહિત અનેક આદિવાસી વિસ્તારની સરકારી શાળાઓની હાલત ખરાબ છે, શાળાઓમાં અપુરતી સગવડ છે, જેથી આદિવાસી બાળક તેજસ્વી હોવા છતાં ભણી શકતો નથી. તે છતાં પણ જો સરકાર આ બાબતે ગંભીર નથી તો આગામી સમયમાં અમે ખરાબ હાલત વાળી શાળાઓની મુલાકાત લઈ મજબુરીવશ એ શાળામા ધરણા કરીશું, એને લોકોને જાગૃત કરીશું. ચૈતર વસાવાએ છેલ્લે નર્મદા જિલ્લા સહિત ગુજરાતની તમામ શાળાઓની સ્થિતી સુધારવા સરકારને અપીલ કરી હતી.
આ પણ વાંચો: આપના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણ નિતીને લઈને કર્યું ટ્વિટ, ભાજપ પર તાક્યું નિશાન