ગુજરાતના યુવાઓમાં કેમ વધ્યુ આત્મહત્યાનું પ્રમાણ? જાણો કારણ
ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. દર વર્ષે ગુજરાતમાં 18 થી ઓછી વયના 450 યુવાઓ આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવે છે. યુવાઓમાં આત્મહત્યાના વધતા પ્રમાણમાં માટે કારકિર્દીની ચિંતાથી માંડીને માનસિક તણાવ જેવા મુખ્ય પરિબળ જવાબદાર છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2,554 યુવાઓએ આત્મહત્યા કરી છે.
શાળામાં ભણતા બાળકો નાપાસ થવાની બીકે આત્મહત્યા કરવા માંડ્યા છે. પરીક્ષાનો સાવ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયો છે. પરીક્ષા અગાઉ કાઉન્સિલિંગ કરાય છે છતાંય યુવાઓને કારકિર્દીની ચિંતા બેઠી છે. આ કાળુ સર પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા યુવાઓ આત્મહત્યા કરે છે. આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ભણતરનું ભારણ યુવાઓ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઉપરાંત વાલીઓ પણ સતત બાળકો પર સારા માર્ક લાવવા દબાણ કરી રહ્યા છે. જેના પગલી યુવાઓ સતત માનસિક દબાણ હેઠળ હોય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના મતે આઈ આઈ એમ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. કારકિર્દીની ચિંતાના કારણે યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે વાલીઓ અને યુવાઓ વચ્ચે મુક્ત મને થતો સંવાદ હવે ઘટી રહ્યો છે. કારકિર્દીને લઈને વાલીઓ બાળકોને પ્રોત્સાહન આપતા નથી જેથી સતત માનસિક તાણમાં જીવતા યુવાઓ આખરે આત્મહત્યા કરવા પ્રેરાય છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા પણ યુવાઓમાં આત્મહત્યાનું પરિબળ છે. સાથે સાથે બેરોજગારી પણ યુવાઓમાં માનસિક તાણ ઊભી કરી રહી છે. ઘણા કિસ્સામાં નાની વયે બાળકોના માથે કુટુંબની જવાબદારી આવી પડે છે ત્યારે બેરોજગારીને કારણે પણ યુવાઓ આત્મહત્યા કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ 2017થી માંડીને વર્ષ 2021 સુધી 18 થી ઓછી વયના 2,554 યુવાઓએ આત્મહત્યા કરી છે. ગુજરાતની સરખામણીમાં ગોવા બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ કેરળ અને હરિયાણા જેવા પ્રદેશમાં યુવાઓની આત્મહત્યાનું પ્રમાણ સરવાળે ઓછું છે. જોકે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ગુજરાત કરતાં વધુ યુવાઓની આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે.
આ પણ વાંચો: હરિયાળા ગુજરાતમાં વૃક્ષોનું નિકંદન, રાજ્યના ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો