ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી
શું PM મોદી જેના સ્વપ્નદ્રષ્ટા છે તે રાજકોટના ‘લાઈટ હાઉસ’ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં નથી કોઈને રસ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય અને દેશમાં અનેક પ્રોજેક્ટ ખુલ્લાં મુકીને લોકોને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા પ્રયાસ કર્યો છે. પરંતુ પદાધિકારીઓ અને અધિકારીઓને તેમના કામો પૂર્ણ કરવામાં જાણે રસ જ ન હોય તેમ લાંબો સમય સુધી કામોને બંધ રાખીને પછી તેનું બાળમરણ કરી દેવામાં આવે છે. આવી જ સ્થિતિ રાજકોટના એક પ્રોજેક્ટમાં પણ જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું ગ્લોબલ હાઉસિંગ પ્રોજેક્ટની મદદથી દેશના 6 અને ગુજરાતના એક માત્ર રાજકોટ શહેરમાં ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઓછી કિંમતે એક વર્ષમાં લોકોને ઘરનું ઘર આપવા નક્કી કર્યું હતું. જોકે નક્કી કરવામાં આવેલા સમય કરતા પણ 6 મહિના જેટલો વધુ સમય થયો હોવા છતાં તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. હજુ પણ આ કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે કોઈ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી.
મ્યુનિસિપલ કમિશ્નર દોડતા થયા અને કામ ઝડપી કરવા સુચના આપી
દરમ્યાન આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થવા લાગ્યા જેના કારણે અધિકારીઓને રેલો આવતા આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તાબડતોબ સ્થળ વિઝીટ કરી હતી. તેઓએ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા છે. તેઓએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ (GHTC) હેઠળ નિર્માણ પામી રહેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશી ટેકનોલોજીની મદદથી નિર્માણ પામી રહેલો લાઈટ હાઉસ પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂર્ણ થાય તેના પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનરે કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને સુચના આપી હતી.
117 કરોડનો ખર્ચ, 11 ટાવરમાં 1144 આવાસ બનશે
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ ભારતનાં છ શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં રૂ.117 કરોડના ખર્ચે બની રહેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં કુલ 11 ટાવરનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે અને તેમાં કુલ 1144 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે વધુમાં રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. આથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ યોજનામાં લાભાર્થીએ 3.39 લાખ ભરવાના રહે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.50 લાખની સહાય આપવામાં આવનાર છે.