રાજકોટમાં જુગાર રમવા ગયેલા વૃદ્ધને ‘ચીટીંગ કરી છે’ કહી ફડાકા ઝીંકાયા બાદ મોત : હત્યાનો ગુનો નોંધાયો

- અન્ય જુગારીએ 25 હજાર માંગી માર માર્યો
- મારના કારણે ગભરામણ થતા બેભાન થઈ ગયા હતા
- સારવારમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર સંબંધીના ઘરે જુગાર રમવા ગયેલા બાવાજી વૃદ્ધને સાથે જુગાર રમતા શખસે ચીંટીગ કરી છે મને રૂા.25 હજાર આપવા પડશે તેવું કહી માર મારતા વૃદ્ધને ગભરામણ થવા લાગતા તેઓ બેશુદ્ધ થઇ ગયા હતા પરંતુ તેમને સારવારમાં ન લઇ જવાતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં પરિવારજનોના આક્ષેપના પગલે આજીડેમ પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. દરમિયાન આ બનાવમાં આજીડેમ પોલીસ મથકમાં ભરવાડ શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધ સંબંધીના ઘરે રમવા માટે ગયા હતા
મળતી માહીતી મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક આવેલ જલજીત સોસાયટી શેરી નં.9માં રહેતા અને છુટક મજુરી કામ કરતા રતિગીરી મોજગીરી ગોસાઇ (ઉ.62) ગઇકાલે રણુજા મંદિર પાછળ શિવધારા સોસાયટીમાં રહેતા સંંબંધી મેહુલગીરી ચંદુગીરી મેધનાથીના ઘરે જુગાર રમવા માટે ગયા હતા. જ્યાં તેઓની સાથે ત્રણ મહીલા સહિત છ લોકો જુગાર રમતા હતા. દરમ્યાન રતિગીરી સાથે જુગાર રમતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા વીરમ ભરવાડ નામના શખસ પાસેથી બાજી જીતી લેતા તેમના ગોઠણ નીચેથી ત્રણ પત્તા નીકળતા વીરમે રતિગીરીને ચીંટીગ કરી છે મને રૂા.25 હજાર આપવા પડશે તેમ કહી ધમકાવવા લાગતા તેમની સાથેના શખસોએ શાંત રહેવાનું કહેતા રતિગીરીને વીરમ બાજુના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે ઝગડો કરતા કરતા ફડાકા ઝીંકી લઇ મારકુટ કરી હતી.
મૃતદેહ ફોરેન્સીક પીએમ માટે મોકલ્યો
આ મારકુટના કારણે રતિગીરી બેશુદ્ધ થઇ જતા તેઓને હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા. જેથી રતિગીરીના પરિવારજનોએ વીરમ પર માર મારવાના કારણે વૃદ્ધનું મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બનાવના પગલે હોસ્પીટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારજનોનું નિવેદન લેતા તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, વીરમે રૂપિયાની ઉધરાણીમાં તેઓને ગોંધી રાખ્યા હતા અને માર મારતા તેઓ બેભાન થઇ ગયા હતા. વીરમે વૃદ્ધને હોસ્પીટલ લઇ જવા ન દેતા તેઓનું મોત થયું છે. આ બનાવમાં આજીડેમ પોલીસે મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે મોકલ્યો હતો. બીજી બાજુ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતર રતિગીરી ગોસાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રતિગીરી જ્યાં જુગાર રમવા માટે ગયા હતા તે મેહુલગીરી મેધનાથી તેમનો ભાણેજ થાય છે. હાલ પોલીસે રતિગીરી સાથે જે કોઇ જુગાર રમતા હતા તેઓની પુછપરછ શરૂ કરી છે.