પાલનપુર હાઇવે સોસાયટીના રહીશોની ચીમકી, “ગટર, રોડ નહિ તો વોટ નહિ”
પાલનપુર: પાલનપુરના આકેસન રોડ પર આવેલી દેવર્ષિ સોસાયટી અને તેની આજુબાજુ આવેલા રહેણાંક વિસ્તાર માં ગટર અને રસ્તાઓ અને સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને લઇને લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
પંદર વર્ષથી પીડા ભોગવતા દેવર્ષિ, રાજશ્રી અને સુયોગ બંગલોઝના રહીશો
પાલનપુરની વોર્ડ નંબર આઠ માં આવેલ દેવર્ષિ બંગલોઝ, રાજશ્રી અને સુયોગ સોસાયટીનો છેલ્લા 15 વર્ષથી ગટર અને રસ્તા નો પ્રશ્ન અધરતાલ છે. તેને લઈને આ સોસાયટીના રહીશો ભારે પરેશાન છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 15 વર્ષથી ગટર કે રસ્તો બન્યો નથી અને ગટરના અભાવે રહેણાંકના ગંદા પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને લઇને લોકો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીમાં પણ સપડાય છે.
આ અંગે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, ચૂંટણીના સમયે ઉમેદવારો મત લેવા આવે ત્યારે ગટર અને સફાઈ ની કામગીરી કરવાનું વચન આપીને જાય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ પૂછવા પણ આવતું નથી. જેથી આ વખતે આ વિસ્તારના લોકોએ નક્કી કર્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવો. જે કોઈપણ ઉમેદવાર મતમાંગવા આવશે તે પહેલા તેને અમારા વિસ્તારની આ કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે. આ વિસ્તારના રહીશોએ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે, ચોમાસા પહેલા કામગીરી શરૂ નહીં કરાય તો નગરપાલિકામાં જઈ ને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરીશુ. આવી જ પરિસ્થિતિ શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા ફોફળિયા કુવાની છે. અહીંયાથી જુના ડાયરા તરફના રોડની ખરાબ સ્થિતિ છે. સતત રોડ પર રેલાઈ રહેલા પાણીને લઇને તેમજ ગટરનું પાણી પીવાના પાણીની સાથે ભળી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને કારણે લોકો બીમારીનો ભોગ બને તે પહેલા આ વિસ્તારમાં પણ પાલનપુર પાલિકાએ વહેલી તકે કામગીરી કરવાની જરૂર હોવાનું રહીશો જણાવી રહ્યા છે.