ગોધરામાં અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે વહેલી સવારે પંચમહાલના ગોધરામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા.
ગોધરામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે રાજ્યને ઘમરોળું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વરસાદે ધડબડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ગોધરા શહેરમાં સતત બે કલાક સુધી અવિરત ચાલુ રહ્યો હતો. જેના કારણે હેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને હાલાકી
ગોધરા શહેરમાં વરસાદનું આગમન થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા હતા.તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન બ્લોક થઈ જતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે અહીથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મિકીવાસ ખાતે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં સતત બે કલાક સુધી વરસાદ ચાલુ રહેતા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી વરસાદી કાસની કેનાલમાં લોખંડની લારીઓ સહિત ગોદડાઓ તણાયા હતા.
તંત્રની પ્રિ- મોન્સુન કામગીરી પર સવાલ
અવિરત વરસાદ વરસતા શહેરરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની અને ગટરો ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલી ખુલી છે. પાણીનો નિકાલ ન થતા શહેરીજનોને હાલાકી પડી રહી છે. ત્યારે પાલિકાની પ્રિ- મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે અમારા વિસ્તારોમાં આજ દિન સુધી વરસાદી કાસની કેનાલની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે દર ચોમાસામાં અમારા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે.
વરસાદી કાસની કેનાલમાં કચરો ભરાયો
ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર પાસે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સબયાર્ડ પાસે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં કચરો ભરાઈ ગયો છે. વરસાદી કાસની કેનાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ન ધરતા ખેતીવાડી ઉત્પન્ન બજારના મેઇન ગેટ આગળ કચરાઓની ભરમાળો જામ થઈ ગયેલી જોવા મળી રહી છે.
અંડરપાસ બ્રીજની અંદર પાણી ભરાયા
ગોધરામાં આવેલા શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે નિર્માણ પામી રહેલા અંડરપાસ બ્રીજની અંદર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે અંડરપાસ બ્રિજની બાજુમાં જાણે ધોધ વહી રહ્યો હોય તેમ પાણી અંડરપાસ બ્રિજમાં પડતું નજરે પડી રહ્યું હતું. આમ શહેરના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ જડવાની ઘટનાઓ સામે આવતા નગરપાલિકાની પ્રિ- મોન્સુન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : બિપરજોય ચક્રવાતે અધધધ કરોડ ઉડાવી દીધા, પાવર કોર્પોરેશનને ભારે ફટકો