બનાસકાંઠા : ડીસામાંથી બ્રાન્ડેડ કંપનીની અગરબત્તીની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ
- મંથન બ્રાન્ડ નામની અગરબત્તી બનાવતા હતા
- કંપનીએ સી.આઈ.ડી.ક્રાઈમ ને સાથે રાખી અગરબત્તીનો જથ્થો, પેકેજીંગ મટીરીયલ સિઝ કર્યું
પાલનપુર : ડીસાના લાટી બજાર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની અગરબત્તીની ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી પર કંપનીના અધિકારીઓએ સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસને સાથે રાખી રેડ કરી હતી. જેમાં કંપનીની પ્રોડક્ટ જેવી જ ભળતી બ્રાન્ડ મળતા અગરબત્તીનો જથ્થો તેમજ પેકેજીંગ મટીરીયલ સીજ કર્યું હતું.
બનાસકાંઠાનું ડીસા એ સમગ્ર રાજ્યમાં ડુપ્લિકેટિંગના નામે કુખ્યાત બન્યું છે. જેમાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્યચીજોની બનાવટ અને ભેળસેળની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.જ્યારે બ્રાન્ડેડ કંપનીની પ્રોડકટો જેવી ડુપ્લીકેટ પણ બનાવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ મોટા પાયે ચાલી રહી છે. ત્યારે ડીસાના લાટી બજાર વિસ્તારમાં મૈસુર દીપ પર્ફ્યુમ હાઉસ ઇન્દોર નામની અગરબત્તીની બ્રાન્ડેડ કંપનીની અગરબત્તી બનાવી ભળતા નામના પેકિંગ સાથે વેચવામાં આવતી હોવાની બાતમી કંપનીને મળી હતી.જેથી કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફિસર અશરફુદ્દીન એફ. ઇનામદારે આજે કંપનીના અધિકારી સંજય કમલ કિશોર વર્મા તેમજ સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસ સાથે ઓચિંતી રેડ કરી હતી.
જેમાં ડીસાના એસીડબલ્યુ સ્કૂલ પાછળ લાટી બજાર વિસ્તારમાં જુના પાવર હાઉસની બાજુમાં આવેલ રંજન અગરબત્તી ઉદ્યોગ માં રેડ કરતા મૈસુર દીપ પર્ફ્યુમ હાઉસ ઇન્દોરની બ્રાન્ડેડ અગરબત્તી મંથન અગરબત્તી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે માલગઢના જય જોગમાયા પરા વિસ્તાર, માળીવાસની પાસે રહેતા રંજન અગરબત્તી ઉદ્યોગના માલિક રાયચંદરામ મંગલારામ પઢીયારને કંપનીના કોપીરાઇટના હક્કો મળેલ છે કે કેમ અંગેની પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.જેથી પોલીસ અને કંપનીના માણસોએ બાજુમાં આવેલ ગોડાઉનમાં તપાસ કરતા અંદરથી મંથન બ્રાન્ડનો જેવો જ ભળતો અગરબત્તીનો માલ તેમજ તેના જેવું જ પેકેજીંગ મટીરીયલ મળી આવતા કુલ રૂપિયા ૬૦ હજાર ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો.આ અંગે કંપનીના ઇન્વેસ્ટીગેશન અધિકારી અશરફુદ્દીન ઈનામદારે રંજન ગૃહ ઉદ્યોગના માલિક રાયચંદરામ મંગલારામ પઢિયાર સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લામાં બીપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકોને વ્યાપક નુક્શાન