અમરેલીમાં સસ્તા અનાજની દુકાનમાંથી સાત હજાર કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
- પુરવઠા તંત્ર દ્વારા બે ગોડાઉનમાં તપાસ કરાઈ
- મામલતદાર દ્વારા બન્ને ગોડાઉન સીલ કરવામાં આવ્યા
- શંકાસ્પદ ઘઉં અને ચોખાના નમૂના તપાસમાં મોકલાયા
- 4916 કિલો ચોખા અને 1989 કિલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળ્યો
અમરેલી ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમાં મોકલવાના અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની શંકાએ પુરવઠા તંત્રની ટીમ બે ગોડાઉનમાં ત્રાટકી હતી અને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઝડપી પાડવામાં આવેલ અનાજના નુમના તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે તેમજ જ્યાં સુધી તેનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને સીલ કરી દેવામાં આવ્યા છે.
પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો
મળતી માહિતી મુજબ, અમરેલી શહેરમાં આવેલ ભારત સરકારના સસ્તા અનાજ સપ્લાય કરવા માટેના 2 ગોડાઉનમાં શંકાસ્પદ અનાજની સીટી પોલીસને માહિતી મળતા તાત્કાલિક અમરેલી ઇન્ચાર્જ મામલતદાર હિરેન મકાણીની ટીમને જાણ કરતા ટીમ દોડી ગઈ અને બંને ગોડાઉનમાં રૂ.5 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરી દીધો છે અને કેટલાક મહત્વના સેમ્પલ પણ લેવાયા છે. જેમાં ક્યાઝભાઈ ફારૂકભાઈ રાઠોડ, સમીરભાઈ આમદભાઇ બીલખિયાના કબ્જામાંથી ચોખા 4916 કિલો, ઘઉં 1989 કિલો જથો મળી આવ્યો હતો બંને સરકારી ગોડાઉનના બિલ્ડીંગ હાલમાં મામલતદારની ટીમ દ્વારા સીઝ કરી દેવાયા છે.
અગાઉ પણ કૌભાંડ છતું થઈ ગયું છે
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અનાજ મામલે ભૂતકાળમાં બારોબાર વહેચી સગેવગે કરવાની અનેક વખત ઘટનાઓ બની ચુકી છે. અનાજના મોટા કૌભાંડ પણ અમરેલી સહિત અનેક વિસ્તારમાં થયા હતા. ખાંભા, રાજુલા વિસ્તારમાં ભૂતકાળમાં પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. બોગસ કાર્ડ સહિત કેટલીક વખત અનેક લોકોના નામે બારોબાર અનાજ વેચાયું હોવાનું પણ ખુલ્યું હતું. ત્યારે ફરીવાર શંકાસ્પદ અનાજના ગોડાઉન સીઝ કર્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ટૂંક સમયમાં ડબલ ડેકર એસી બસો દોડતી જોવા મળશે