ટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષની બેઠક પહેલા વટહુકમ પર AAPનું અલ્ટીમેટમ, શું છે કેજરીવાલની માંગ?

મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે (23 જૂન) પટનામાં લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ એક થવાના પ્રયાસોમાં લાગેલા વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. દરમિયાન, સૂત્રો મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બેઠકમાં કેન્દ્રના વટહુકમનો મુદ્દો ઉઠાવશે.

AAPના સૂત્રોએ જણાવ્યું કે જો કોંગ્રેસ કેન્દ્ર સરકારના વટહુકમ સામે કેજરીવાલને સમર્થન જાહેર નહીં કરે તો તે બેઠકમાંથી વોકઆઉટ કરી શકે છે.

કોંગ્રેસે શું કહ્યું?

AAPના સ્ટેન્ડ પર કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે પાર્ટી કોઈ પણ દબાણમાં આવશે નહીં. પટનામાં યોજાનારી બેઠક લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે છે, જેમાં નિશ્ચિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગના મામલે બહાર પાડવામાં આવેલ વટહુકમ બિલ સંસદ સત્રમાં આવશે ત્યારે જ તેના પર રણનીતિ ઘડવામાં આવશે. જોકે, પાર્ટીના સૂત્રોના સ્પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ સંસદમાં કેન્દ્રના વટહુકમ બિલનો વિરોધ કરશે.

શું છે અરવિંદ કેજરીવાલની માંગ?

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે કોંગ્રેસ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. કેજરીવાલ એ વાતથી પણ નારાજ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને હજુ સુધી મળવાનો સમય આપ્યો નથી, પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ પંજાબ અને દિલ્હીના નેતાઓની નારાજગીને કારણે કેજરીવાલ સાથે વાત કરવાનું ટાળી રહ્યું છે.

કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓને લખ્યો પત્ર

કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને પોતાનું વલણ (સ્ટેન્ડ) સ્પષ્ટ કરવા પણ કહ્યું છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે તે દિવસ દૂર નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 33 રાજ્યોમાં લેફ્ટનન્ટ ગવર્નરો અને રાજ્યપાલો દ્વારા સરકાર ચલાવશે. આવી સ્થિતિમાં હું તમામ પક્ષોને વિનંતી કરું છું કે સંસદમાં કેન્દ્રનો આ વટહુકમ પસાર ન થવા દેવાની રણનીતિ પર ચર્ચા કરો.

અરવિંદ કેજરીવાલને કોણ-કોણ કરી રહ્યું છે સમર્થન ?

AAP નેતા કેજરીવાલ કેન્દ્રના વટહુકમ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, NCP પ્રમુખ શરદ પવાર અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓને મળી ચુક્યા છે. આ દરમિયાન તમામ નેતાઓએ કહ્યું કે તેઓ કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ તેમનું સમર્થન કરશે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવાનો અધિકાર કેજરીવાલ સરકાર પાસે છે. આ પછી કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી. ભાજપે દલીલ કરી હતી કે દિલ્હી દેશની રાજધાની છે તેથી આવી સ્થિતિમાં તે જરૂરી છે.

આ પણ વાંચો: વિપક્ષની બેઠકમાં ખડગે અને કેજરીવાલ વચ્ચે થઈ તકરાર- દીદીએ ભજવી રેફરીની ભૂમિકા

Back to top button