સુરતમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત રોજ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામા આવ્યું છે. અજાણ્ય શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતાબાળકીને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતા. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં 4 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ
ગતરોજ શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં માત્ર ચાર વર્ષની માસુમ બાળકીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાણકારી મુજબ શહેરના ઈચ્છાપોર વિસ્તાર ખાતે કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામા આવ્યું હતું. રાત્રીના સમયે અજાણ્યો શખ્સ બાળકીને તેના માતા-પિતા પાસેથી ઊંચકી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
મધરાતે માતા-પિતા સાથે સૂતેલી બાળકીને ઉઠાવી ગયો
મળતી માહિતી મુજબમૂળ મધ્યપ્રદેશમાં રહેતો પરિવાર સુરતમાં રોજી રોટી માટે આવ્યો હતો. અને શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતો પરિવાર ગતરોજ રાત્રે ઘરમાં સૂતો હતો ત્યારે માતા પિતાના પડખામાં સૂતેલી માત્ર ચાર વર્ષની માસુમ બાળકીને નરાધમ અપહરણ કરીને નજીકમાં લઈ ગયો હતો. જ્યાં ઘ૨ની પાસે જ માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.બાળકીના રડવાના અવાજ સાંબળીને માતા-પિતા જાગી ગયા હતા અને સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ તેઓ બાળકી સુધી પહોંચે તે પહેલા નરાધમ ફરાર થઈ ગયો હતો.બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા.
બાળકીની હાલત નાજૂક
માસુમ બાળકીને ગુપ્તાંગમાં અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી બાળકીને 108 મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી તેની સર્જરી ચાલી હતી . હાલ આ બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રન્ચે ગણતરીના કલાકોમાં નરાધમને દબોચ્યો
બનાવની જાણ થવાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ, ઈચ્છાપોર પીઆઈ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇચ્છાપોર પોલીસે નરાધમ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યાં સીસીટીવી ફૂટેજની પોલીસે તપાસ કરી હતી. આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેથી CCTV ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનું નિવેદન લઇ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આઆરોપીની ધરપકડ કરી લીધી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત : બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ, 3નાં મોત, પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા