ઈરાનમાં અપહરણ અને ખંડણી કેસમાં ફસાયેલ દંપતિ અમદાવાદ પરત પહોંચ્યું, હર્ષ સંઘવીનો માન્યો આભાર
ઈરાનમાં બંધક બનાવાયેલ દંપતી મુક્ત થઇ આજે અમદાવાદ પરત આવ્યા છેગેરકાયદેસર અમેરિકા જવા નિકળેલા અમદાવાદના પંકજ પટેલ અને તેની પત્ની નિશાને ઈરાનમાં એજન્ટો દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હતા. આ એજન્ટોએ પંકજને બાથરૂમમાં ઊંધો પાડી બ્લેડના ઘા માર્યા હતા અને તેનો વિડીયો ઉતારી પંકજના પરિવારને મોકલી રુપિયાની માંગણી કરી હતી. જેથી પરિવારે સરકાર પાસે તેમને છોડાવવા માટે મદદ માંગી હતી. સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. અને આ દંપતીને હેમખેમ છોડાવ્યા હતા.
દંપતિ અમદાવાદ પરત પહોંચ્યું
જાણકારી મુજબગેરકાયદે અમેરિકા જવા નીકળેલા અમદાવાદના પંકજ પટેલ અને તેની પત્ની નિશા પટેલને ઈરાનમાં બંધક બનાવી તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. જે બાદ પીડિત પરિવારના સભ્યોએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક વોટ્સએપ મેસેજ કરી મદદ માગી હતી.
ગણતરીના કલાકોમાં દંપતિને શોધી કાઢ્યા
વિડીયો સામે આવ્યાના 24 કલાકમાં જ પોલીસને આ દંપતિને છોડાવવામાં સફળતા મળી છે.ઇરાનમાં અપહરણકારોની ચુંગલમાં ફસાયેલું દંપતી આજે અમદાવાદ પહોંચ્યું હતું.હાલ યુવકને સારવાર માટે ગાંધીનગર ખસેડાયો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે તેની પત્ની સ્વસ્થ છે,ભોગ બનનારની પત્નીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો.
દંપતિને હેમખેમ પરત લાવવામા હર્ષ સંઘવીની ઉત્તમ કામગીરી
જાણકારી મુજબ પીડિત પરિવારનો મેસેજ મળ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની હાઈલેવલ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. અને સાથે હર્ષ સંઘવીએ ભારત સરકારના વિદેશ મંત્રાલયથી લઈને ઈરાનમાં ભારતીય દુતાવાસ સુધી મદદ માગી હતી.અનેઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન જ્હોન માઈની મદદથી તહેરાનમાં અપહરણકારોની ચુંગાલમાં ફસાયેલા ગુજરાતી દંપતીને છોડાવી લેવાયા હતા.
એજન્ટ દ્વારા એક કરોડ 15 લાખમાં ગેરકાયદેસર અમેરિકા જવાનું નક્કી કર્યું હતું
અમદાવાદના નવા નરોડામાં રહેતા પંકજ પટેલ (29 વર્ષ) અને તેમના પત્ની નિશા જૂન મહિનાની શરૂઆતમાં અમેરિકા જવા નીકળ્યા હતા. ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા એક કરોડ 15 લાખમાં ગેરકાયદેસર અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ હૈદરાબાદમાં આવેલી ઈરાનની કોન્સ્યુલેટમાંથી આ દંપતીના 15 દિવસના ટુરિસ્ટ વિઝા ઈશ્યૂ થયા હતા. ઈરાનથી તેમને મેક્સિકો પહોંચવાનું હતું અને ત્યાંથી પછી તેઓ અમેરિકામાં ઘૂસવાના હતા. ત્યારે આ દંપતી ઈરાન પહોંચ્યું ત્યારે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અને તેમના પર અત્યાચાર ગુજારવામા આવ્યો હતો.
પંકજ પટેલનો વિડીયો આવ્યો હતો સામે
પંકજ પટેલનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેને બાથરૂમમાં ઊંધો સૂવડાવી પીઠ પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. હાલ એજન્ટ ફરાર થઈ ગયો છે. જેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદના જગન્નાથજી મંદિરને લઈને મોટા સમાચાર, નવા રંગરૂપમાં જોવા મળશે મંદિર!