ઉદ્ધવ ઠાકરેના સહયોગીના ઘરે EDના દરોડા, BMC કોવિડ સેન્ટર કૌભાંડમાં અનેક સ્થળોએ કાર્યવાહી
BMC કોવિડ સેન્ટર કૌભાંડ કેસમાં મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઉદ્ધવ ઠાકરેના સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મુંબઈમાં 16થી વધુ સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDએ આદિત્ય ઠાકરેના નજીકના લોકોના ઘરે પણ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ ઇડીએ યુવા સેના સચિવ સૂરજ ચવ્હાણના ઘરે પણ દરોડા પાડ્યા છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ફડણવીસે કૌભાંડનો આરોપ લગાવ્યો હતો
આપને જણાવી દઈએ કે સોમવારે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે BMCમાં 12,500 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું હતું કે સરકાર કૌભાંડકારો પાસેથી એક-એક પૈસો વસૂલ કરશે. કેગ (CAG)ના રિપોર્ટ બાદ આ કૌભાંડ સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પણ આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે, કોવિડ સમયગાળા દરમિયાન, કોવિડ સેન્ટરમાં તબીબી સેવાઓ અને સાધનોને એકત્રીત કરવા માટે BMC દ્વારા બહારની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસીસ કંપનીને વરલી અને દહિંસરમાં જમ્બો કોવિડ સેન્ટરનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, પરંતુ આ કંપની બોગસ હતી અને તેને મેડિકલ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો.
બોગસ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને 100 કરોડનું કૌભાંડ: BJP
ભાજપના નેતા કિરીટ સોમૈયાનો આરોપ છે કે બોગસ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કોવિડ સેન્ટરનો કોન્ટ્રાક્ટ જૂન 2020 થી માર્ચ 2022 સુધી લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસીસ કંપનીના નામે હતો. તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પીએમઆરડીએના અધ્યક્ષ હોવાને કારણે, આ કંપનીને કોઈ કોન્ટ્રાક્ટ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો કારણ કે આ કંપની નવી હતી અને અનુભવનો અભાવ હતો.
આ પણ વાંચો: PM તમામ રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા સરકાર ચલાવશે: દિલ્હી CM