બિપરજોય ઇફેક્ટ : વાવાઝોડા બાદ વરસેલા વરસાદથી કચ્છ, ઉત્તર ગુજરાતમાં ડેમ છલકાયા, 4 ડેમો હાઈએલર્ટ
અરબી સમુદ્રમાંથી ઉઠેલા ચક્રવાત બિપરજોયે રાજ્યમાં કચ્છ,સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે.ત્યારે બીજી તરફ બિપરજોયને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યા છે.
કચ્છ,સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના ડેમોમાં નવા નીર આવ્યા
બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ ભારે વરસાદ વરસતા કચ્છ-ઉત્તર ગુજરાતના ડેમોમાં નવા નીર આવ્યા છે. વાવાઝોડાને પગલે કચ્છ,સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ વરસાદને કારણે આ વિસ્તારોના ડેમો છલકાયા છે. એટલુ જ નહી, કચ્છના ચાર ડેમો હાઇ એલર્ટ પર છે જયારે એક ડેમ એલર્ટ અને 1 ડેમ વોર્નિંગ પર છે.
પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષની સ્થિતીએ સૌથી વધુ
હવે ચોમાસાની શરુઆત થઈ રહી છે. ત્યારે આ ચોમાસાની શરુઆતમાં મધ્ય-દક્ષિણ ગુજરાતની સરખામણીમાં કચ્છના ડેમોમાં પાણીનો જથ્થો વધુ છે.વાવાઝોડા પછી ધોધમાર વરસાદ વરસતા ડેમો છલકાયા છે. મહત્વનું છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષની સ્થિતીએ સૌથી વધુ છે.
ક્યા ડેમમાં કેટલો પાણીનો જથ્થો ?
કચ્છમાં કુલ 20 ડેમો પૈકી 4 ડેમો હાલ હાઇએલર્ટ પર છે. કચ્છમાં ગજણસર, કોલાઘોઘા, કંકાવડી અને ડોન હાઇએલર્ટ પર છે. અને કચ્છના મુંદ્રા તાલુકામાં ગજોડ ડેમ એલર્ટ પર મૂકાયો છે. જયારે અબડાસાના બરચિયા ડેમ વોર્નિંગ પર છે. અત્યારે કચ્છના ડેમોમાં કુલ મળીને 161.78 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે કે, 48.69 ટકા પાણી છે
વરસાદ બાદ પણ સૌરાષ્ટ્રના ડેમોમાં પુરતુ પાણી નથી
બિપોરજોય વાવાઝોડા બાદ વરસેલા વરસાદ પછી પણ સૌરાષ્ટ્રના ડેમોમાં પુરતુ પાણી નથી. જાણકારી મુજબ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ માત્ર 19.55 ટકા જ પાણી છે.જ્યારે ઉતર ગુજરાતના 15 ડેમોમાં 48.64 ટકા પાણી છે. ચોમાસાની શરૂઆતમાં ડેમોમાં 50 ટકા પાણી ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતની વાત કરવામા આવે તો મધ્ય ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર જેવી હાલત છે. મધ્ય ગુજરાતના ડેમોમાં કુલ મળીને 30.76 ટકા જ પાણી છે.
રાજ્યમાં 198 ડેમોમાં હજુય 70 ટકાથી ઓછુ પાણી
હાલ મોરબી અને સુરેન્દ્રનગરમાં બે ડેમો વોર્નિંગ પર છે. જ્યારે નર્મદા ડેમમાં અત્યારે 50.51 ટકા પાણી ઉપલબ્ધ છે. રાજ્યમાં 198 ડેમોમાં હજુય 70 ટકાથી ઓછુ પાણી છે. ત્યારે આ ડેમોમાં પાણીની આવક વધતા આ વર્ષે પીવાના પાણીનો પ્રશ્ન નહીં રહે તેવી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ભરુચ : પાલેજ GIDCમાં વેસ્ટિજ કંપનીમાં ભયંકર આગ, ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી