ધ્રોલમાં યાર્ડના વેપારીને ત્યાં તસ્કરી : પાંજરાપોળ પ્રમુખે ગાયો માટે ઉઘરાવેલ ફાળો પણ તસ્કરો ચોરી ગયા
- વેપારીની દુકાનમાંથી રૂ.10.85 લાખની ચોરી થઈ
- તસ્કરોએ દુકાનની પાછળની બારી તોડી તિજોરીનું લોક ખોલી રોકડની ઉઠાંતરી કરી
- ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ ગઈ કેદ
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા અઢી દાયકાથી વેપારી પેઢી ધરાવતા એક આસામીની દુકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.10.85 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હોવાની પોલીસમાં જાહેર થયું છે. સ્થાનિક ગૌ શાળાના પ્રમુખ એવા વેપારીએ લંપી વાયરસ વખતે ઉઘરાવેલ ફાળો અને તાજેતરમાં પોતે એક દુકાન વેચી હતી તે દુકાન વેચાણ મુળી તેમજ અઢી લાખના વેપારની રકમ સહીત માતબર તિજોરીમાંથી ચોરી થઇ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ સખ્સોની હરકત સામે આવી છે. પોલીસે આ ત્રણ સખ્સો સામે જ શંકા ઉચ્ચારી તપાસ હાથ ધરી છે.
અઢી દાયકા જૂની પેઢી છે યાર્ડમાં
ધ્રોલમાં દરબાર ગઢ પાસે આવેલ શેઠ શેરીમાં રહેતા અને હાલ રાજકોટ ખાતે નાગેશ્વર દેરાસરની બાજુમાં જૈનમ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ મનહરલાલ શેઠ છેલ્લા પચ્ચીસ વર્ષથી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી મહાવીર ટ્રેડીંગ કુ. નામની પેઢી ધરાવે છે અને અહી વિવિધ ખેત જણસીનો વેપાર કરે છે. હાલ તેઓ શ્રી ધ્રોલ ગૌ શાળા પાંજરાપોળના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે.
ચોરી પૂર્વેના દિવસે શું થયુ હતું દુકાનમાં ??
તા. 18મીના રોજ છેક રાત સુધી પોતાની પેઢીએ રાકેશભાઈએ વેપાર કર્યો હતો. રાત્રે સાડા આઠ વાગ્યે ત્રણ સતર ધરાવતી પેઢીને તાળા મારી વેપારીએ ઘર તરફ પ્રસ્થાન કર્યું હતું. આગળના ભાગે બે સતર અને પાછળના ભાગે આવેલ એક સટરને તાળા મારી વેપારીએ પેઢીને વધાવી ઘરે પહોચ્યા હતા. બીજા દિવસે વેપારી દુકાન પર પહોચ્યા ત્યારે સતરના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.
દુકાનની તિજોરીમાં કેટલી રોકડ હતી ???
શ્રી મહાવીર ટ્રેડીંગ કુ નામની પેઢીના તાળા તૂટેલ જોઈ પેઢી ધારક રાકેશભાઈએ ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. પોતાની પેઢી બંધ કરતા પૂર્વે તિજોરીમાં નંબર લોક માર્યો ન હતો અને ચાવી પણ પેઢીમાં ભૂલી ગયા હતા. તસ્કરોએ ખુલી તિજોરીમાં રહેલ તમામ રોકડ હાથવગી કરી નાશી ગયા હતા. આમ, કોઈ પણ બળ વાપર્યા વગર જ તસ્કરોને મેદાન મળી ગયું હતું.
ક્યાંથી આવી હતી એટલી માતબર રકમ ???
વેપારી રાકેશભાઈએ ખેત ઉત્પાદિત ચીજ વસ્તુઓ ખરીદવા માટે એડવાન્સમાં રાખેલ રૂપિયા અઢી લાખની રોકડ આ તિજોરીમાં રાખી હતી. આ ઉપરાંત તાજેતરમાં એક દુકાન વેચી હતી તે દુકાનના વેચાણ પેટે આવેલ રૂ.7,40,000 કાળા અને લાલ કલરની થેલીમાં મૂકી તિજોરીમાં રાખ્યા હતા. આ ઉપરાંત લંપી વાયરસ વખતે ફાળાની આવેલ રૂપિયા ૯૪ હજારની રકમ પણ તિજોરીમાં રાખવામાં આવી હતી.
ત્રણ સખ્સોની હરકત સીસીટીવી ફૂટેઝમાં થઇ કેદ
જામનગરના ધ્રોલ યાર્ડ ખાતેની પેઢીમાંથી રૂ.10.85 લાખની માતબર રકમની ચોરી થવા પામી છે. ત્રણ સતર ધરાવતી પેઢીના પાછળના ભાગે આવેલ સેક્સન બારીની ગ્રીલ તોડી ત્રણ સખ્સો અંદર પ્રવેશ્યા હતા. આ ત્રણેય સખ્સો દુકાન તરફ જતા અને બહાર નીકળતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. મોડી રાત્રે એક થી દોઢ વાગ્યા વચ્ચે આ હરકત કેમેરામાં કેદ થઇ છે. તસ્કરો જાણ ભેદુ હોવાની પોલીસે આશંકા જતાવી તપાસ હાથ ધરી છે.