બનાસકાંઠા: ડીસા – પાલનપુરમાં નીકળ્યા ભગવાન જગન્નાથજી નગરચર્યાએ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય બે મોટા શહેરો પાલનપુર અને ડીસા ખાતે ભગવાન જગન્નાથજી તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ રથમાં બિરાજમાન થઈને નગરચર્યા એ નીકળ્યા હતા. પાલનપુર ખાતે આવેલા મોટા રામજી મંદિરથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારે ભગવાન જગન્નાથજીના જય ઘોષ થી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. આ રથયાત્રામાં સંતો – મહંતો અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે પાલનપુર ખાતે એક મંદિરના મહંત દ્વારા રથ ખેંચીને રથયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભવ્ય રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા
આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્યારે ભાવિકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભાવીકો નગરચર્યા એ નીકળેલા ભગવાન જગન્નાથજી ને વધાવી રહ્યા હતા. આ રથયાત્રામાં ઢોલ,નગારા, નાશિક ઢોલ ની મંડળી સાથે ભજન મંડળીઓ પણ જોડાઈ હતી. તો કસરતના કરતબ પણ પહેલવાનો એ બતાવ્યા હતા. શોભાયાત્રામાં દેવી-દેવતાઓ ની ઝાંખી નાના બાળકોએ રજૂ કરી હતી.
પાલનપુર: ભવ્ય રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા #palanpur #RathYatra #RathYatra2023 #JagannathRathYatra #jagannathtemple #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/FRUuhsduXg
— Hum Dekhenge News (@humdekhengenews) June 20, 2023
રથયાત્રાએ પાલનપુર શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, અને તેનો ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે ભાવિકોને મગ – જાંબુ અને કાકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદ લઈને ભાવીકો ભાવવિભોર બન્યા હતા. પાલનપુરમાં આ વખતે જગન્નાથની ભગવાનની ગુજરાતમાં સૌથી મોટી પ્રતિમા ધરાવતી રથયાત્રામાં નીકળી હતી. પથ્થર સડક વિસ્તારમાં વેપારી મંડળ તરફથી રથયાત્રામાં જોડાયેલા ભક્તોને ચા – ગાંઠિયા અને બટાકા વડા પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો. આ વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સેવાનું કેમ્પ આયોજન કર્યું હતું.
અખાડીયાનો એ કરતબ બતાવ્યા
ડીસા ખાતે પણ મોટા રામજી મંદિરથી 25મી રથયાત્રાનો બપોરે 2:00 વાગ્યે પ્રારંભ થયો હતો. સુશોભિત કરવામાં આવેલા ત્રણ અલગ અલગ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. મોટા રામજી મંદિરથી, રિસાલા ચોક, SCW હાઇસ્કુલ, ઉમિયા નગર, લાયન્સ હોલ અને સાઈબાબા મંદિર થઈને મુખ્ય માર્ગ ઉપર ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા. આ શોભાયાત્રામાં ડીજેના તાલે ભાવીકો જુમી ઉઠ્યા હતા. રથયાત્રામાં અલગ – અલગ સંસ્થાઓ દ્વારા દેવી – દેવતાઓના પરિવેશ સાથે નાના બાળકો જોવા મળ્યા હતા. બે કિલોમીટર લાંબી નીકળેલી આ રથયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર ભાવિકો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભગવાનના રથને ખેંચવા માટે પણ ભાવિકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ત્રણેય રથ સાંઈબાબા મંદિર ખાતે પહોંચતા લોકોએ દર્શન માટે પડાપડી કરી હતી. ભાવિકોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો. દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં ભાવિકોની સંખ્યા વધતી જાય છે. આ વખતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જ્યારે તરુણ – તરુણીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા લાઠીદાવ અને યુવાનો દ્વારા તલવારબાજી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.
આ રથયાત્રામાં ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી સાથે રાજકીય અને સેવાભાવી સંગઠનો જોડાયાં હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિત ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :અમદાવાદઃ રથયાત્રા દરમિયાન બાલ્કની ધરાશાયી, 11 સારવાર હેઠળ, AMCએ હવે લગાવી નોટિસ