અમદાવાદઃ રથયાત્રા દરમિયાન બાલ્કની ધરાશાયી, 11 સારવાર હેઠળ, AMCએ હવે લગાવી નોટિસ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા દરમિયાન અમદાવાદના દરિયાપુરમાં એક દુર્ઘટના ઘટી છે. દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો. જેમાં મહિલા અને બાળકો સહિત 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.
બાલ્કની તૂટી પડ્યા બાદ AMCએ નોટિસ લગાવી
કડિયાનાકા પાસે આવેલા મકાનનો ગેલરીનો ભાગ તૂટી પડતાં ત્રણ બાળક સહિત 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. રથયાત્રાના રૂટ ઉપર આવતાં તમામ ભયજનક અને જર્જરિત મકાનોને નોટિસ આપવાની હોય છે, પરંતુ કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી.આ મકાન ભયજનક હોવા અંગેની જાહેર નોટિસ પણ લગાવવામાં આવી ન હતી. જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેમણે આ જાહેર નોટિસ લગાવી હતી. સ્થાનિક લોકો મુજબ કોર્પોરેશન તંત્ર આ ઘટના પછી અહીં નોટિસ લગાવવા આવ્યું હતું અને નોટિસ લગાવી હતી.