અમદાવાદ: અમેરિકા જવાની ઘેલછામાં અનેક પરિવારો વિખરાઈ ગયા હોવાની એક નહી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના એક દંપતી અમેરિકા જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ આ એજન્ટે અમેરીકા મોકલી આપવાની જવાબદારી લીધી હતી. ત્યાર બાદ દંપતી અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી વાયા દુબઈ થઈને ઈરાન પહોચી હતી. પરંતુ ઈરાન પહોચ્ચતાની સાથે જ આ દંપતીને કોઈ એજન્ટો દ્વારા બંધક બનાવી દેવામાં આવી હતી. બંધક બનાયા બાદ દંપતીને ઘરેથી રુપિયા મંગાવાની માંગ કરી હતી.
ગુજરાતી કપલને બંધક બનાવી ઢોર માર મારી સમગ્ર શરીર પર બ્લેડના ઘા માર્યા:
અમેરિકા જવા નીકળેલ યુવક પંકજ પટેલનો હચમચાવીને રાખી દેનારો વીડિયો સામે આવે છે. જેમા કેટલાક એજન્ટોએ બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા મારી રહ્યા છે. વીડિયોમાં યુવક તેમના ઘરવાળાને તાત્કાલિક પૈસા મોકલી આપવાની માગણી કરી રહ્યો છે. પૈસા માટે યુવકને હૈવાનિયતની તમામ હદો વટાવી માર મારવામાં આવ્યો છે. યુવકને બાંધી તેના સમગ્ર શરીર પર બ્લેડથી ઘા મારતા હોય તેવો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. યુવક પરિવારને આજીજી કરી રહ્યો છે કે તાત્કાલિક પૈસા મોકલો. 15 લાખ જેવી રકમની માગ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારે સમગ્ર બાબતે એજન્ટનો સંપર્ક કરતા એજન્ટે તેમને 2-3 દિવસ રૂપિયા નહીં આપવા જણાવ્યુ હતુ. અને બાંહેધરી આપી હતી કે તે પંકજને છોડાવવાને પ્રયાસ કરે છે. જો કે વધુ દિવસો વિત્યા બાદ આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
ગાંધીનગરનો એજન્ટ અભય રાવલ રુપિયા લઈને ગાયબ થઈ ગયો:
પંકજનો વિડિયો સામે આવતાં પરીવાર ચિંતામાં મુકાયો હતો, ત્યાર બાદ પરીવારે એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એજન્ટનો પણ ફોન બંધ આવતો હોવાથી પરીવારે પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે એક ટીમને ગાંધીનગર પોલીસનો સંપર્ક કરી એજન્ટ અભય રાવલની શોધખોળ હાથ ધરી છે. હાલ એજન્ટ અભય રાવલ પણ ફરાર હોવાનુ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે. ગાંધીનગરના એજન્ટ અભય રાવલે જ કરોડો રૂપિયા ખંખેરી દંપતીને અમેરિકા પહોંચાડવાના સપના બતાવ્યા હતા. હવે પરિવાર મુશ્કેલીમાં આવતા એજન્ટ ખુદ ફરાર થઈ ગયો છે.
બંધક બનાવાયેલા યુવકના શરીર પર ઘાતકી રીતે બ્લેડના ઘા મારતો વીડિયો આવ્યો સામે:
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર દંપતી અમેરિકા જવા માગતુ હતુ અને તેમણે એજન્ટ અભય રાવલના સંપર્કમાં હતા. અભય રાવલે તેમને હૈદરાબાદથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતો. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવકને ક્રુરતાની તમામ હદો વટાવી માર મારતો વીડિયો સામે આવ્યો.
જો કે હાલ જે વીડિયો સામે આવ્યો છે તે માત્ર યુવકનો જ વીડિયો છે. યુવકની પત્નીનો તો કોઈ અત્તો પતો જ નથી. તે સલામત છે કે કેમ? ક્યાં છે તે રહસ્ય પણ વધુ ઘેરુ બન્યુ છે. હાલ આ સમગ્ર કેસમાં કૃષ્ણનગર પોલીસ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ જોડાઈ તપાસ કરી રહી છે. જો કે યુવકને બંધક કોણે બનાવ્યો, તેની પાસેથી પૈસા માગનાર શખ્સો કોણ છે? શું આ સમગ્ર કાંડમાં ગાંધીનગરના એજન્ટની કોઈ સંડોવણી છે કે કેમ ? એ તો એજન્ટ સામે આવ્યા બાદ જ બહાર આવશે.
આ પણ વાંચો: ચીનના મોરચે મોટું પગલું; ભારત વિયેતનામને મિસાઇલ યુદ્ધ જહાજ આપશે ભેટ, જાણો કેમ છે આ ડીલ મહત્વપૂર્ણ