- સત્તાધારી પક્ષે ત્રણ ઉમેદવારની જાહેરાત કરી
- જગદીશ શેટ્ટરનો કાર્યકાળ સૌથી લાંબો રહેશે
- તેઓ આગામી 2028 સુધી વિધાન પરિષદમાં સદસ્ય રહેશે
- શેટ્ટર લિંગાયત સમુદાયના બીએસ યેદિયુરપ્પા પછી બીજા સૌથી ઊંચા નેતા
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ઉત્સાહિત કોંગ્રેસે સોમવારે વિધાન પરિષદની ચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા જગદીશ શેટ્ટરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય બે ઉમેદવારોમાં ટિપ્પનપ્પા કામકનૂર અને એનએસ બોસારાજુનું નામ પણ સામેલ છે. આ પૈકી શેટ્ટરનો સૌથી લાંબો કાર્યકાળ 14 જૂન, 2028 સુધીનો રહેશે, કામકનૂરનો કાર્યકાળ 30 જૂન, 2026 સુધી અને બોસારાજુનો કાર્યકાળ 17 જૂન, 2024 સુધીનો રહેશે.
જગદીશ શેટ્ટરની ઉમેદવારી કેમ મહત્વની છે?
ઉલ્લેખનીય રીતે, શેટ્ટરને લિંગાયત સમુદાયના બીએસ યેદિયુરપ્પા પછી બીજા સૌથી ઊંચા નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં લિંગાયત મતદારોની વસ્તી 17 ટકા છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ લિંગાયત સમુદાયને સંપૂર્ણપણે ખેંચવા માંગે છે, જે અત્યાર સુધી ભાજપના મજબૂત મતદાતા રહ્યા છે. આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ શેટ્ટરના કારણે લિંગાયત મતદારોનો મોટો વર્ગ કોંગ્રેસ તરફ વળ્યો હતો. જોકે, શેટ્ટર પોતે હાર્યા હતા.
છેલ્લે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે અહીં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં સંખ્યાબંધ સભાઓ ગજવી હતી પરંતુ ભાજપ અહીં બહુમતી મેળવવામાં સફળ થયું ન હતું પરિણામે કર્ણાટકમાં સત્તા પરિવર્તન આવ્યું હતું અને કોંગ્રેસની જીત થઈ હતી.