ટોપ ન્યૂઝવર્લ્ડ

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા બાંગ્લાદેશ રશિયા પાસે પહોંચ્યું

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ પડોશી દેશ બાંગ્લાદેશ હવે રશિયા તરફ આગળ વધી રહ્યું છે. સરકાર અને વેપાર અધિકારીઓએ બુધવારે રોઇટર્સને જણાવ્યું હતું કે, ગયા મહિને ભારતે અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી બાંગ્લાદેશ સરકાર રશિયાથી ઘઉંની સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર છે. આવી સ્થિતિમાં જો બાંગ્લાદેશ રશિયા સાથે સોદો કરે છે, તો વૈશ્વિક કિંમતોમાં વધારો થવા છતાં તે ઓછી કિંમતે તેની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

બાંગ્લાદેશના ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે બાંગ્લાદેશ ગુરુવારે રશિયા સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી રહ્યું છે. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે શરૂઆતમાં રશિયા પાસેથી ઓછામાં ઓછા 200,000 ટન ઘઉંની માંગણી કરીશું. બાંગ્લાદેશ લગભગ 7 મિલિયન ટન ઘઉંની આયાત કરે છે અને ગયા વર્ષે તેમાંથી બે તૃતીયાંશથી વધુ ભારતમાંથી આવ્યા હતા. ભારતના નિકાસ પ્રતિબંધને પગલે બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય ટેન્ડરો દ્વારા પુરવઠો સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઊંચા ભાવને કારણે તેને રદ કર્યો.

ગ્લોબલ ટ્રેડિંગ ફર્મના મુંબઈ સ્થિત ડીલરે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ કિંમત અને નૂરના આધારે ભારતીય ઘઉં માટે પ્રતિ ટન $400 કરતાં ઓછું ચૂકવતું હતું, પરંતુ પ્રતિબંધ પછી અન્ય સપ્લાયર્સે $460થી ઉપરની બોલી લગાવવાનું શરૂ કર્યું હતું, જેનાથી બાંગ્લાદેશમાં સ્થાનિક ભાવમાં વધારો થયો હતો.

બાંગ્લાદેશમાં ઘઉંનો સ્ટોક ત્રણ વર્ષમાં સૌથી નીચો 166,000 ટન પર પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડિંગ ફર્મ સાથે નવી દિલ્હી સ્થિત ડીલરે જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશને ઘઉંનો સપ્લાય કરી શકે તેવા ઘણા દેશો છે, પરંતુ મુખ્ય મુદ્દો કિંમતનો છે. રશિયા વૈશ્વિક કિંમતો પર ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.’

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે અત્યાર સુધીમાં લગભગ 30 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આ સાથે જ કેટલાક દેશો તરફથી અનાજની સપ્લાય માટેની વિનંતીઓ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે બુધવારે આ જાણકારી આપી હતી. લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના અંગે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને યોગ્ય સમયે પગલાં લેશે.

ઘઉંની સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અને ભાવ વધારાને રોકવા માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે 13 મેથી અમલમાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું હતું કે તે કેસ-ટુ-કેસ આધારે અન્ય દેશોમાં ઘઉંની નિકાસને મંજૂરી આપવા અંગે વિચારણા કરશે.

ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ પાર્થ એસ દાસે પત્રકારોને જણાવ્યું હતું કે, ઘણા દેશોમાંથી વિનંતીઓ આવી છે. તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, કેટલાક દેશો માટે ચોક્કસ માત્રાને મંજૂરી આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે બાંગ્લાદેશમાં 1.5 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 14 જૂન સુધી કુલ 29.70 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન ઘઉંના લોટ (આટા)ની નિકાસ 2.59 લાખ ટન હતી. વન નેશન, વન રેશન કાર્ડ (ONORC) યોજના હેઠળ રેશનકાર્ડ ‘પોર્ટેબિલિટી’ના સંદર્ભમાં, સચિવે કહ્યું કે તે હવે સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યું છે, આસામ યોજના અમલમાં મૂકનાર છેલ્લું રાજ્ય છે.

Back to top button