ભીષણ ગરમીના કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં 100નાં મોત, આ રાજ્યોમાં એલર્ટ જારી
- દેશના અનેક રાજ્યોમાં હીટવેવનો હાહાકાર.
- ગરમીના કારણે અનેક રાજ્યોએ સ્કૂલોમાં રજાઓ વધારી.
દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે છતાં ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં કાતિલ ગરમીએ કેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં સતત વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ઉત્તર ભારતના રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે બંને રાજ્યોમાં ગરમી અંગે એલર્ટ જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના બલિયામાં ૧૫, ૧૬ અને ૧૭ના રોજ ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી સે.ને પાર થઈ ગયો હતો જ્યારે બિહારના અનેક જિલ્લામાં ૪૪-૪૫ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.
400 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ:
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ભીષણ આગના કારણે મૃતકોની સંખ્યા વધી રહી છે, તેમજ દર્દીઓની સંખ્યામાં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. અહીં ૧૫, ૧૬ અને ૧૭ એમ ત્રણ દિવસમાં તાવ, શ્વાસ ચઢવો જેવા વિવિધ કારણોથી અંદાજે 400 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાંથી ૧૫મી જૂને ૨૩, ૧૬મી જૂને ૨૦ અને ૧૭મી જૂને ૧૧ એમ કુલ ૫૪ લોકોનાં મોતને ભેટ્યા હતાં. બલિયાના ચીફ મેડિકલ ઓફિસર જયંત કુમારે જણાવ્યું હતું કે, હૃદય રોગના હુમલા, બ્રેઈન સ્ટ્રોક અને ઝાડા-ઉલ્ટીના કારણે મોટા ભાગના લોકોના મોત થઈ રહ્યા છે.
પટનામાં છેલ્લા 24 કલાકમાં 44 લોકોએ જીવ ગુમાવ્યો:
પટનામાં છેલ્લા ૨૪ કલાકમાં ગરમીના કારણે બીમાર પડી જવાથી ૪૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગે ૧૮ સ્થળો પર ગંભીર હીટવવે અને ૪ સ્થળો પર હીટવેવની ચેતવણી આપી છે. એનએમસીએચમાં ૧૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો તો પીએમસીએચમાં ૧૬ દર્દીનાં મોત નીપજ્યાં હતા. બિહારના અન્ય જિલ્લાઓમાં પણ લૂ લાગવાથી ૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેગૂસરાય, સાસારામ અને નવાદામાં બે-બે લોકોનાં મોત થયા છે. આ સિવાય ભોજપુર અને ઔરંગાબાદમાં એક-એકનાં મોત નીપજ્યાં છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ સહિતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે. બિહારમાં વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકથી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટી, બેભાન અવસ્થા અને શ્વાસ ચઢી જવા તેમજ બ્લડ પ્રેશર જેવી બીમારીથી પીડિત દર્દીઓની સંખ્યા વધી છે.
આ પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેક પર હુમલો, બારીના કાચને નુકસાન
આ રાજ્યોમાં એલર્ટ જારી:
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં૧૯ જૂન સુધી ભયાનક ગરમીની એલર્ટ જાહેર કરી છે. જેને પગલે અનેક રાજ્યોએ સ્કૂલોમાં રજાઓ વધારી દીધી છે. બિહારના જમશેદપુરમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઓડિશા અને ઝારખંડમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં વિદર્ભનો વિસ્તાર પણ ગરમીની ઝપેટમાં આવી ગયો છે. બિહારમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે.
બિહારના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ:
IMDના વૈજ્ઞાનિક આશિષ કુમારે જણાવ્યું કે પટનામાં 43 ડિગ્રી, ગયામાં 44 ડિગ્રી અને ઔરંગાબાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે . આગામી 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. પટના સહિત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 19મીથી ચોમાસાની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ધોધમાર વરસાદ વચ્ચે ગુજરાતના છ જિલ્લાના 38 ગામોમાં પીવાના પાણીની પરાયણ