બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડા દરમિયાન સગર્ભા મહિલાઓએ 742 બાળકોને જન્મ આપ્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આપત્તિ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠાના સીધા સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પુરતા પ્રમાણમાં કાળજી લઈને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને તા.12 જૂન 2023 થી 7 દિવસની અંદર 1179 સગર્ભા માતાઓની ડીલેવરી થવાની હતી.
તેમાંથી આજદિન સુધી 742 ડીલેવરી થયેલ છે. જે પૈકી 137 ડીલેવરી ગ્રામ્ય કક્ષાએથી સ્થળાંતર કરીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડ્રીસ્ટ્રીક્ટ હોસ્પિલટ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે થયેલ છે. આ ડીલેવરીથી જન્મ લેનાર તમામ બાળ સ્વસ્થ છે અને આરોગ્યની ટીમ દ્વારા તેમનુ સતત ધ્યાન રાખીને કાળજી લેવામાં આવી રહી છે.
દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ
ફિલ્ડ લેવલે પણ તમામ ગામોમાં હેલ્થ ટીમ ઈમરજન્સી દવાઓ સાથે હાજર છે અને શેલ્ટર હોમમાં રહેતા લોકોને જરૂરી સારવાર આપી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઈમરજન્સ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે અને તમામ સરકારી સંસ્થાઓ ખાતે આવશ્યક દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે એમ એપેડેમીક મેડિકલ ઓફિસરે જણાવ્યું છે.