ગુજરાતબિઝનેસ

રાજકોટમાં સોની વેપારીને ત્યાં ચોરી કરવાની અનોખી રીત સામે આવી, જાણીને તમે પણ ચોંકી જશો

Text To Speech
રાજકોટમાં હવે ચોર ગઠિયાઓ પણ નીતનવા નુસ્‍ખા અપનાવી ચોરી કરી જતાં હોય છે. શહેરના ભૂપેન્‍દ્ર રોડ પર આવેલી શ્રીંગાર જ્‍વેલર્સ નામની દૂકાનમાં મુકબધીરનો સ્‍વાંગ રચીને આવેલો એક શખ્‍સ વેપારી અને સેલ્‍સમેનની નજર ચુકવી રૂ. 6 લાખના સોનાના દાગીના ભરેલુ બોક્‍સ કાઉન્‍ટર પરથી પોતાના હાથમાં રહેલી નોટબૂક છુપાવીને ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વેપારી જમવા ગયા હતા, પિતા અને સેલ્સમેન દુકાને હતા
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્‍લોટ સૌભાગ્ય એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. 301 માં રહેતાં અને ભૂપેન્‍દ્ર રોડ પર શ્રીંગાર જવેલર્સ નામે દૂકાન ધરાવતાં સોની વેપારી પ્રશાંતભાઇ ભાસ્‍કરભાઇ ચાપાનેરીયા (ઉ.વ.41)ની ફરિયાદ પરથી મુકબધીરનો સ્‍વાંગ રચીને આવેલા અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પ્રશાંતભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, ગત તારીખ 20 જૂનના રોજ બપોરે દોઢેક વાગ્‍યે હું ઘરે જમવા માટે ગયો હતો તે દરમ્યાન દુકાન ઉપર મારા પિતા ભાસ્‍કરભાઇ તથા મારા સેલ્‍સમેન વજુભાઇ ધોળકીયા બંને દૂકાનમાં માલની ગોઠવણી કરી રહ્યા હતાં એ વખતે એક અજાણ્‍યો શખ્‍સ આવ્‍યો હતો અને તેણે એક કાગળ બતાવ્‍યો હતો. એ કાગળમાં ‘આ વ્‍યક્‍તિ મુંગો બહેરો છે, તેને સહાય આપવા વિનંતી’ તેવું લખાણ લખેલુ હતું. આ કાગળ તેણે અમારી દૂકાનના કાઉન્‍ટર પર મુકીને બતાવતાના બહાને આગળ કરી કાઉન્‍ટર પર પડેલા એક બોક્‍સમાંથી પેન્‍ડન્‍ટ સેટ નંગ 23 જેનું કુલ વજન 118 ગ્રામ હતું તે 6 લાખના સોનાના દાગીના મારા પિતા તથા સેલ્‍સમેનની નજર ચુકવી ઉઠાવી લીધા હતાં.
ઘટના CCTVમાં કેદ થઈ,  ફૂટેજના આધારે ગઠિયાની શોધખોળ શરૂ
આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે, એ શખ્‍સે પોતાની પાસે રહેલી એક નોટબૂક અને કાગળ બતાવવાના બહાને કાઉનટર પરના પેન્‍ડન્‍ટ સેટનું બોક્‍સ પોતાની નોટબૂક નીચે રાખી દીધું હતું અને ત્‍યાંથી નીકળી ગયો હતો. મારા પિતાજીને આ બનાવની જાણ સાંજે ચારેક વાગ્‍યે દાગીના ગણતી વખતે થઇ હતી. એ પછી અમે દૂકાનના CCTV કેમેરા ચેક કરતાં મુકબધીરનો સ્‍વાંગ રચીને આવેલો શખ્‍સ નોટબૂક નીચે પેન્‍ડન્‍ટ સેટનું બોક્‍સ રાખીને ચોરી કરી જતો દેખાયો હતો. આ મામલે તપાસ કરી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે વેપારીની ફરિયાદ પરથી CCTV ફૂટેજ ચકાસી મુકબધીરનો સ્વાંગ રચી આવેલા ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.
Back to top button