ગુજરાત

બનાસકાંઠામાં મેઘરાજાને રિઝવવા ઢૂંઢીયા બાપજીની પરંપરા

Text To Speech

પાલનપુર: ચોમાસું બેસે ત્યારથી જ ગ્રામજનોની નજર આભ સામે મંડાયેલી રહે છે. પરંતુ બનાસકાંઠા માં હજુ પણ વરસાદ ન થતા ખેડૂતો અને પશુપાલકો ચિંતાતુર બન્યા છે ત્યારે લોકો વરસાદને વિનવવા જાત-જાતના અને ભાત-ભાતના વૈજ્ઞાનિક પ્રયોગો, ઉપાયો કે પરંપરાગત વિધિઓનો આશરો લઈ રહ્યા છે. આવીજ એક પરંપરા એટલે ઢૂંઢીયા બાપજીની પૂજા.

ઘરની સ્ત્રીઓ બાજોઠ પર બિરાજમાન મૂર્તિ ઉપર લોટો ભરીને પાણી રેડે છે
બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની રીતે વરુણ દેવ ને રીઝવવા પરંપરાગત પ્રયત્નો કરે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને રીઝવવા માટે આવા અલ્પશિક્ષિત, પછાતવર્ગ દ્વારા થતો પ્રયત્ન એટલે ઢૂંઢિયા બાપજી. બનાસકાંઠામાં આ વર્ષે પણ સમયસર વરસાદ થયો નથી, ત્યારે ડીસા પાસે આવેલ થેરવાડા ગામે શાળામાં ભણતા બાળકો ચીકણી માટીની એક મૂર્તિ બનાવીને તેને જાત જાતના શણગાર કરી બાજોઠ ઉપર બેસાડે છે. જેને તેઓ ઢૂંઢિયા બાપજી તરીકે ઓળખે છે. એક બાળક આ બાજોઠને માથે ઉંચકીને ગીતો ગાતા ગાતા ગામમાં ઘરે ઘરે ફરે છે. અને વરૂણ દેવને રીઝવવા મેહુલા તરીક ઓળખાતા ગીતો ગાય છે. ઘરની સ્ત્રીઓ બાજોઠ પર બિરાજમાન મૂર્તિ ઉપર લોટો ભરીને પાણી રેડે છે. પછી ગામની સીમમાં નદી કે તળાવ કાંઠે આ મૂર્તિનું વિસર્જન કરે છે. બાળકો અને ગ્રામજનોની માન્યતા છે કે, આમ કરવાથી વરસાદ જલ્દી વરસે છે.

બનાસકાંઠા જેવા સૂકા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતા પાણીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શ્રધ્ધા-અંધશ્રધ્ધાને ઘડીભર કોરાણે મૂકીએ તો પણ સામાન્ય લોકો દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા માટે થતો આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે.

Back to top button