બિપોરજોયની અસર, અમદાવાદમાં મોડી રાતથી વરસાદ, રાજસ્થાનમાં રેડ એલર્ટ
HD ન્યુઝ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડુ ગુજરાતને ટકરાયુ એને હવે 2 દિવસ થવા આવ્યા છે છતા પણ એની અસર હજુ પણ છે. ગઈ કાલ અને આજ સુધીમાં લગભગ દરેક તાલુકામાં ધીમી ધારે થી લઈને ધોધમાર વરસાદ પડ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદઃ કાલ રાતથી અમદાવાદમાં વરસાદ શરુ છે , આજે વહેલી સવારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સેટેલાઈટ, બોડકદેવ, માનસી સર્કલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. આ સાથે શહેરના નિકોલ, નારોલ, વિશાલા સર્કલ, બાપુનગર, મેઘાણીનગર, લાલ દરવાજા, આસ્ટોડિયા, ગીતા મંદિર, હાટકેશ્વર, અને CTM સહીત અમદાવાદના અનેક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
4 ઈંચ સુધીનો વરસાદઃ આજે અને આવતી કાલે હવામાન વિભાગે ઉતર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠામા પણ કાલ રાત થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં અલગ અલગ તાલુકામાં લગભગ 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભારે પવનના હિસાબે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુંઃ ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં ચક્રવાત બિપરજોયની અસર જોવા મળી રહી છે. શનિવારે સવારથી બાડમેર, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, રેલ્વેએ બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો રદ કરી છે. તેવી જ રીતે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કચ્છમાં વાવાઝોડાના દિવસે જ 34 બાળકોનો જન્મ!