બનાસકાંઠા: ડીસામાં જર્જરિત દુકાનો બંધ રાખવા નગરપાલિકાની સૂચના
પાલનપુર: ડીસા પાલિકા દ્વારા બિપરજોય વાવાઝોડાના પગલે જર્જરિત શોપિંગ સેન્ટરની દુકાનો બે દિવસ માટે બંધ રહેશે. નગરપાલિકાની ટીમે વેપારીઓને બે દિવસ માટે દુકાનો બંધ રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા કડક સુચના આપી છે.
દુર્ઘટના ન સર્જાય તે માટે બે દિવસ દુકાનો બંધ રહેશે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અસરને પગલે વાવાઝોડું અને વરસાદ ખાબક્યો હતો. બપોર પછી સતત વરસાદ અને વાવાઝોડું રહેતા અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે. ત્યારે લોકોના જાનમાલને વધુ નુકસાન ન થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા જર્જરિત શોપિંગ સેન્ટરની દુકાનો બંધ રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ અંદાજિત 100થી પણ વધુ દુકાનો જર્જરીત હાલતમાં છે. ત્યારે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે નગરપાલિકાએ વ્યાપારીઓને ચેતવ્યા છે.
નગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં ગાડી ફેરવી લોકોને લાઉડ સ્પીકર દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે જાગૃત કરે છે અને હાલમાં જર્જરિત હોય તે તમામ દુકાનો બે દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવા માટેની કડક સુચના આપવામાં આવી હતી. સાથે જ વાવાઝોડાને કારણે કોઈ જગ્યાએ ક્ષતિ કે નુકસાન ન થાય તે માટે પણ નગરપાલિકાએ અલગ અલગ ટીમો પણ સ્ટેન્ડબાય રાખેલી છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડા વચ્ચે પ્રજાની પડખે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી