બિપોરજોય વાવાઝોડું: કચ્છમાં ભારે પવન સાથે વરસાદ આવતાં લાખો ટન મીઠું ધોવાયું
- કચ્છમાં ભારે પવન સાથે વરસાદ આવતાં લાખો ટન મીઠું ધોવાયું.
ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી મોખરે કચ્છ રહ્યું છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાના કારણે જે વાતાવરણ બદલાયું છે તેમાં સૌથી વધારે અસર મીઠા ઉદ્યોગમાં જોવા મળી રહીછે. તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાના કારણે અતિભારે વરસાદ આવતાં કચ્છનાં મીઠાના ઢગલાઓ વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. જેના કારણે વ્યાપક નુકસાન થયું છે. લાખો રૂપિયાનું નુકસાન થતાં મીઠા ઉદ્યોગના નાના-મોટા ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે. સાથે સાથે મીઠું પકવતા અગરીયાઓ જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ પણ ચીંતિત જોવા મળી રહ્યા છે.
મીઠાના ઉદ્યોગમાં લાખોનુ નુકસાન:
કચ્છમાં મીઠાના ઉદ્યોગના કારણે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે અને દરિયાકાંઠે નાના-મોટા ઉદ્યોગકારો મીઠાનો વ્યવસાય ચલાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણ એકદમ વરસાદી બનતાં વરસાદના પાણી કચ્છના રણમાં મીઠાના ઢગલાઓ પર ફરી વળ્યા છે, જેના લીધે અનેક મીઠાના ઢગલાઓ વરસાદી પાણીમાં ધોવાયાના સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી પાણીમાં લાખો ટન પકવેલું મીઠું ધોવાયું છે અને સાથે મશીનરીને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે વેપારીઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કંઈક સહાય આપવામાં આવે.
આ પણ વાંચો: બનાસકાંઠા : વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિરમાં શરૂ કરાઈ ભોજન સેવા