સોનિયા ગાંધીએ ED પાસે સમય માંગ્યો, હાજર થવાની તારીખ લંબાવવાની કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેમની હાજરીની તારીખ થોડા અઠવાડિયા લંબાવવા વિનંતી કરી હતી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું, સોનિયા ગાંધીને કોવિડ અને ફેફસાના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે ડોક્ટરોએ ઘરે આરામ કરવાની સલાહ આપી છે. કોંગ્રેસ અધ્યક્ષે આજે EDને પત્ર લખીને કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની હાજર થવાની તારીખ આગામી થોડા અઠવાડિયા સુધી લંબાવવામાં આવે.
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ED દ્વારા 23 જૂને સમન્સ મોકલવામાં આવ્યા છે. કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સોનિયાને તાજેતરમાં દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી સોમવારે સાંજે તેને રજા આપવામાં આવી હતી.
આ જ કેસમાં EDએ રાહુલ ગાંધીની પાંચ દિવસમાં 50 કલાકથી વધુ પૂછપરછ કરી અને આ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું. કોંગ્રેસે EDની કાર્યવાહીને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિપક્ષી નેતાઓ સામે બદલાની રાજનીતિ ગણાવી છે. જ્યારે ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અત્યાર સુધીની પૂછપરછમાં રાહુલ ગાંધીને ‘યંગ ઈન્ડિયન’ની સ્થાપના, ‘નેશનલ હેરાલ્ડ’ના ઓપરેશન અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને આપવામાં આવેલી લોન અને ફંડ ટ્રાન્સફર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. યંગ ઈન્ડિયનના પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓનો સમાવેશ થાય છે.
અગાઉ, રાહુલ ગાંધીએ પણ માતા સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને EDને તપાસ એક દિવસ લંબાવવા માટે કહ્યું હતું, જેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.