પાટણ જિલ્લામાંથી 2788 લોકોનું સ્થાળાંતર; આજ સાંજથી છે ધોધમાર વરસાદની આગાહી
પાટણ: રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. કચ્છ અને દ્વારકામાં ભયાનક વાવાઝોડા અને વરસાદ બાદ હવે પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.16.06.2023 ની સાંજ થી 17 દરમિયાન ભયાનક વરસાદની આગાહીને પગલે જિલ્લામાં કુલ 920 જેટલા આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વિસ્તારના લોકોને આશ્રય આપવામાં આવ્યા છે.
બિપરજોય વાવાઝોડા અંતર્ગત હાલમાં જિલ્લામાં કુલ-925 બાળકો, 162 વૃદ્ધો, 13 સર્ગભા મહિલાઓ સહિત કુલ-2788 વ્યક્તિઓનું જિલ્લામાનાં કુલ-95 અલગ અલગ આશ્રયસ્થાનોમાં અગમચેતીના ભાગરૂપે સ્થાળાંતર કરવામાં આવ્યું છે. તાલુકા નોડલ અધિકારીશ્રીઓ દ્વારા એન.જી.ઓ.સાથે બેઠક કર્યા બાદ આશ્રય સ્થાનો અને અસરગ્રસ્ત વ્યક્તિઓને તેમના દ્વારા ગરમ ભોજન તથા બાળકોને દૂધ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- વાવાઝોડાની આફત વચ્ચે ગૂંજી કિલકારીઓ ! 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 680 બાળકોનો થયો જન્મ
વાવાઝોડાની પરિસ્થિતી સમયે તા.15.06.2023ના રોજ જિલ્લાના તમામ આશ્રયસ્થાનો ખાતે સંબંધિત તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ દ્વારા મોડી રાત સુધી સતત મુલાકાતો લઈ, આશ્રયસ્થાનોમાં રહેલ વ્યક્તિઓને ભોજન, આરોગ્ય તથા જરૂરી સુરક્ષા અને સલામતીના પગલે લેવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ દ્વારા મોડી રાત સુધી સતત આશ્રયસ્થાનોની મુલાકાત લઈ, આશ્રયસ્થાનોમાં રહેલ વ્યક્તિઓને પુરી પાડવામાં આવેલ સવલતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો- બિપરજોય વાવાઝોડાની અસરને પગલે રાજ્યભરમાં 18 જૂન સુધી 99 ટ્રેનો રદ