ઉત્તર ગુજરાત પર વધ્યો બિપરજોયનો ખતરો, આજે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ દરિયા કિનારે લેન્ડફોલ થયા પહેલા અને એ પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તારાજી સર્જી છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. આ વાવાઝોડાને કારણે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજાએ ગઈ કાલે સૌરાષ્ટ્ર અને કચ્છને ઘમરોળ્યાં બાદ આજે ઉત્તર ગુજરાતમાં તોફાની બેટિંગ ખેલશે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રતિકલાકે 95 કિ.મી.ની ઝડપે પવન ફૂકાવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સાથે પ્રતિકલાકે 95 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના સંકેતો આપવામાં આવ્યાં છે. તેમજ રવિવારથી વાવાઝોડાની તિવ્રતા સાવ ઘટી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.
અમદાવાદ ગાંધીનગરમા આજે ભારે વરસાદની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.તેમજ શનિવારે માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં જ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ સિવાય રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
જાણો આજે ક્યા વિસ્તારોમાં કેટલી ઝડપે પવન ફૂંકાશે ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં 75થી 95 કિમી સુધીનો પવન ફૂંકાશે.
આ પણ વાંચો :Biparjoy Cyclone: ગુજરાત બાદ રાજસ્થાનનો વારો, વાવાઝોડાને કારણે 4 રાજ્યોમાં હાઇ એલર્ટ