કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાત

બિપરજોય: PGVCLની 117 ટીમો 3200 વીજ પોલ અને 2500 ટ્રાન્સફોર્મર સાથે સ્ટેન્ડબાય

ભૂજ: બિપરજોય વાવાઝોડાના પગલે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજ પોલ પડી જવા, વીજ પુરવઠો ખોરવાઈ જવા સહિતની સમસ્યાઓ આવી રહી છે. વાવાઝોડાથી ઉભી થતી આ સંભવિત સમસ્યાઓને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાથી વીજ માળખાને સંભવિત નુકસાનને ધ્યાનમાં લઈને કુલ ૧૧૭ ટીમો, ૩૨૦૦ વીજ પોલ અને ૨૫૦૦ ટ્રાન્સફોર્મર સાથે તૈયાર રખાયા છે.

આ સાથે જરૂરી ફેબ્રીકેશન મટીરીયલ, વાયર, તાણીયા, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સહિતની સાધન સરંજામ પણ પૂરતી માત્રામાં તૈયાર રખાયો છે. જેથી વીજ પુરવઠો ખૂબ જ ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય. ગઈ કાલથી અત્યાર સુધીમાં ધરાશાઈ થયેલા ૭૫ જેટલા વીજ પોલ તંત્ર દ્વારા પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- બિપરજોય LIVE : વાવાઝોડું નજીક આવતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, હવે જખૌથી માત્ર આટલા કિમી દૂર

વાવાઝોડા બાદ પણ ખૂબ જ ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટરશ્રી રવિશંકરનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરી ટીમો કાર્યરત કરવામાં આવી છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના આયોજનમાં આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, વોટર ફેસીલીટી, જરૂરી સરકારી ઓફિસો, શહેરી વિસ્તાર, જ્યોતિગ્રામ યોજના અને બાદમાં ખેતી માટે વીજ પુરવઠાની સેવા યથાવત કરાશે.

દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ની દ્વારકા અને ખંભાળિયા એમ બે વિભાગીય કચેરીઓ આવેલી છે. દ્વારકા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રી એન.જે. ગોરાણીયાના જણાવ્યા પ્રમાણે, દ્વારકા વિભાગીય કચેરી હેઠળ ૧ લાખ ૬૦ હજાર વીજ પોલ અને ૨૦,૭૦૦ ટ્રાન્સફોર્મર આવેલા છે. વાવાઝોડાથી સંભવિત નુકસાનને ધ્યાનમાં લઈને ૧૨૦૦ જેટલા વીજ પોલ અને ૬૦૦ જેટલા ટ્રાન્સફોર્મર તૈયાર રાખવામાં આવ્યા છે. જિલ્લામાં ૨૦ પીજીવીસીએલની વિભાગીય ટીમ, ૧૯ કોન્ટ્રાક્ટરની ટીમ છે. વાવાઝોડાને અનુલક્ષીને એમ.જી.વી.સી.એલ.માંથી અન્ય ૭ ટીમ અને કોન્ટ્રાક્ટર મારફતે ૪ ટીમ બોલાવવામાં આવી છે. અત્યારે ૧૪૦થી વધુ ટેકનિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લામાંથી ત્રણ વધારાના ડેપ્યુટી એન્જિનિયર અને બે જુનિયર એન્જિનિયર પણ ફરજ અર્થે મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડુઃ સોશિયલ મીડિયામાં ફની મેસેજની વણઝાર

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બેટ દ્વારકામાં મરીન કેબલ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ત્યાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ત્યાં એક ટીમ સતત તૈનાત છે. ૧૦ મોટા જનરેટર અને તે માટે જરૂરી ડીઝલ પણ ત્યાં પહોંચાડી દેવામાં આવ્યું છે.

ખંભાળિયા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.વી.બોરિસાએ જણાવ્યું હતું કે, ખંભાળિયા વિસ્તારમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે એમ.જી.વી.સી.એલ. માંથી ૩ ટીમો, જુનાગઢ પી.જી.વી.સી.એલમાંથી ૪ અને રાજકોટમાંથી ૧૦ ટીમો એમ વધારાની કુલ ૧૭ ટીમો બહારથી બોલાવવામાં આવી છે. અત્યારે ૧૦૦થી વધારે લોકોનો ટેકનિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત કરાયો છે. ૩૫ કોન્ટ્રાક્ટરની ટીમો પણ લોકોની સેવા માટે તૈનાત છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવા ૨ હજાર વીજ પોલ અને ૧૯૦૦ ટ્રાન્સફોર્મર તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો- કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 49 હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર

Back to top button