ગુજરાતચૂંટણી 2022

જસદણ તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ફાઇલો પાસ કરવા લેવાતું તગડું કમિશન, જુઓ ક્યાં થતો હતો વહીવટ

Text To Speech

રાજકોટ જિલ્લાના જસદણની તાલુકા પંચાયત કચેરીમાં કોન્ટ્રાક્ટર્સનાં બિલ પાસ કરવા માટે વહીવટ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. કચેરીમાં ફરજ બજાવતા બે એન્જિનિયર ભાડાનું મકાન રાખી ત્યાંથી આ ગોરખધંધા કરતા હતા. જે અંગેની જાણ થતાં તાલુકાના મદાવા ગામના સરપંચ દ્વારા વાજસુરપરા શેરી નં.3માં આવેલા મકાનમાં દરોડો પાડતા ત્યાંથી બાંધકામ શાખાની ઢગલાબંધ ફાઇલો, સ્ટેમ્પ સહિતનું સાહિત્ય મળી આવ્યું હતું સાથે જ બંને ઈજનેર ઠાકરશી કોબિયા, નીરવ મકવાણા તેમજ ગોડલાધાર ગામનો રમેશ સાકળિયા નામનો વચેટિયો પણ રંગેહાથ ઝડપાયા હતા.

અગાઉ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી ન કરાયાનો આરોપ

જસદણ તાલુકાના કેટલાક સરપંચે અગાઉ ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓને રજૂઆત કરીને એવા આક્ષેપ કર્યા હતા કે બન્ને અધિક મદદનીશ ઇજનેર કોબિયા અને મકવાણા એક વચેટિયો રાખીને ભાડાના મકાનમાં માત્ર કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવાનું જ કામ કરે છે અને તેમાંથી 7 થી 9 ટકા કમિશન પણ કટકટાવે છે. વધુમાં જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વિઠ્ઠલ માલકીયાએ જણાવ્યું હતું કે અનેક ગામોના સરપંચોએ અગાઉ ફરિયાદ કરેલી કે તાલુકા પંચાયતના એસ.ઓ. અમારી પાસેથી બિલ પાસ કરવાની ટકાવારી લે છે. જેના પગલે મેં ટીડીઓ અને ડીડીઓને ત્રણેક મહિના પહેલાં લેખિતમાં રજૂઆત કરી છે. છતાં હજુ સુધી તે અંગે કોઈ કાર્યવાહી ટીડીઓ કે ડીડીઓ દ્વારા કરવામાં આવી નથી. ત્યારે હવે આ બાબત મીડિયામાં ચમકી હોય જેના પગલે લોકો ઈચ્છી રહ્યા છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભ્રષ્ટાચારનું આ દૂષણ અહીં અટકાવી શકાય.

જસદણના ટીડીઓની બદલી, ‘ભ્રષ્ટાચારની કચેરી’ શરૂ કરનાર બન્ને ઈજનેરને હેડક્વાર્ટર બેસાડી દેવાયા

સમગ્ર મામલે જસદણના ટીડીઓની તાકીદની અસરથી તાલાલા બદલી કરી દેવામાં આવી છે. જ્યારે જે બે અધિકારી ભ્રષ્ટાચારની કચેરી ચલાવતા હતા તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે બેસાડી દઈ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા આદેશ કરી દેવાયો છે.3 અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ 10 દિવસ સુધી સમગ્ર મામલે તપાસ કરશે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ આપશે.

Back to top button