ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના ખતરા સામે સગર્ભા મહિલાઓ માટે ખાસ ડ્રાઈવ કરાઈ
- સરકારે અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો
- આઠ જિલ્લાઓમાં 1,131 સગર્ભા બહેનોને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં લઈ જવાયા
- સગર્ભા બહેનો સાથે આરોગ્ય કર્મીઓ, આશાવર્કરો સંપર્કમાં
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના ખતરા સામે સગર્ભા મહિલાઓ માટે ખાસ ડ્રાઈવ કરાઈ છે. જેમાં આઠ જિલ્લામાં 1,131 સગર્ભા બહેનોને તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં રખાયા છે. ભૂતકાળના બનાવોને ધ્યાને લઈને પહેલીવાર સરકારની અગમચેતી સામે આવી છે. એક સપ્તાહમાં પ્રસૂતિની તારીખ ધરાવતી સગર્ભા માટે ખાસ ડ્રાઈવ કરાઈ છે. હોસ્પિટલાઈઝેશને અનિવાર્ય હોવાથી તેમના માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ
સરકારે અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો
ભૂતકાળમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે હોસ્પિટલ પહોંચવામાં પડતી મુશ્કેલી, વિજળીના કડાકાને કારણે સગર્ભા બહેનોના બ્લડપ્રેશરમાં વધઘટ, કસુવાવડ અને અસામાન્ય સંજોગોમાં રસ્તામાં જ થતી પ્રસુતિમાં માતા કે નવજાત બાળકની સ્થિતિ ગંભીર થયાના કિસ્સા નોંધાયા છે. આવી સ્થિતિનું પુનરાવર્તન ટાળવા સરકારે અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વેળા વાવાઝાડુ ત્રાટકે તે પહેલા જ 12મી જૂનથી એક સપ્તાહ અર્થાત 19મી જૂન દરમિયાન જે સગર્ભા બહેનો માટે પ્રસુતિની તારીખો અપાઈ હોય તેમને તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યા છે. મંગળવારની રાત સુધીમાં અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં 1,131 સગર્ભા બહેનોને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં લઈ જવાયા હતા.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઇ કચ્છમાં કાલ જો ડી કચ્છી માડુ લા ભારી આયની બૂમો પડી
સગર્ભા બહેનો સાથે આરોગ્ય કર્મીઓ, આશાવર્કરો સંપર્કમાં
આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જ્યાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે, ત્યારબાદ ભારે વરસાદની આગાહી છે તેવા આઠ જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આવેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આ સપ્તાહે 2,345 સગર્ભા બહેનોની પ્રસુતિની તારીખો અપાઈ હતી. જેમાંથી 1,171 બહેનો માટે હોસ્પિટલાઈઝેશન એ અનિવાર્ય હોવાથી તેમના માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી. 1,171માંથી 1,131 સગર્ભાઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. આ અભિયાનમાં 40 જેટલી બહેનો અને તેમના પરીજનો સાથે સમજાવટના પ્રયત્નો ચાલી રહ્યા છે. જેમાંથી કેટલાક પ્રાઈવેટ હોસ્પિટલ કે સલામત સ્થળે (રાજકોટ સહિતના શહેરોમાં) ગયા છે. જેમની સાથે આરોગ્ય કર્મીઓ, આશાવર્કરો સંપર્કમાં છે.