બિપોરજોય વાવાઝોડાને લઇ કચ્છમાં કાલ જો ડી કચ્છી માડુ લા ભારી આયની બૂમો પડી
- કચ્છમાં સ્થાનિક વહિવટી તંત્ર માટે સ્થળાંતર એ પડકારરૂપ થઈને ઉભર્યુ
- સ્થળાંતર ન કરનારા માટે કહેવું પડ્યું આજ ખારાભાત જો પ્રોગ્રામ આય
- ખમીરવંતા કચ્છીઓ ઘરેથી જ રાંધવાની સામગ્રી લઈને શેલ્ટરહોમમાં પહોંચ્યા
કચ્છમાં સ્થાનિક વહિવટી તંત્ર માટે સ્થળાંતર એ પડકારરૂપ થઈને ઉભર્યુ છે. સમુદ્રના કાંઠે અને ત્યાંથી 10- 15 કિલોમીટર અંદરની તરફના ગામોમાં પાકા મકાનોમાં રહેતા નાગરિકો શેલ્ટરહોમમાં જવા તૈયાર નહોતા. કારણ કે સરકારી આશ્રયસ્થાનોમાં પુરી-શાક, સુકા નાસ્તાના ફુડ પેકેટ તેમને સ્વિકાર્ય નથી ! એથી આજ ખારાભાત જો પ્રોગ્રામ આય’ એવી કહીને ST નિગમ અને સ્થાનિક ઔદ્યોગિક ગૃહોની બસો દ્વારા સ્થાળંતર કરાવવુ પડયુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાની અસરને જોતા AMCએ લીધો મોટો નિર્ણય
સ્થળાંતર ન કરનારા માટે કહેવું પડ્યું આજ ખારાભાત જો પ્રોગ્રામ આય
કચ્છના જખૌ, માંડવી, નારાયણ સરોવર, લખપત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ખારાભાત’ અર્થાત પૂલાવનો ખોરાક એ તહેવાર કે ઉજવણીનો આહાર છે. આથી, બુધવારે મોડી રાત સુધી કલેક્ટોરેટ અને સ્થાનિક વહિવટી અધિકારીઓને ‘કાલ જો ડી કચ્છી માડુ લા ભારી આય’ અર્થાત કાલનો દિવસ કચ્છના નાગરીકો માટે ભારે દિવસ છે એવી બુમો પાડવી પડી છે, સાથે જ ‘ખારાભાત જો પ્રોગ્રામ આય’ એવુ કહેવુ પડયુ છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સલામત સ્થળોએ સ્થળાંતરના કામ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ કે, શેલ્ટરહોમમાં ભોજનની અગવડ ન પડે તે માટે અનેક પરીવારો પોતાની સાથે તેલ- ચોખા સહિત ભોજનની કાચી સામગ્રી સાથે લઈને આવ્યા હતા. કારણ આ ક્ષેત્રમાં ખારાભાત અર્થાત પૂલાવ એ સૌનો મનભાવન ખોરાક છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ
ખમીરવંતા કચ્છીઓ ઘરેથી જ રાંધવાની સામગ્રી લઈને શેલ્ટરહોમમાં પહોંચ્યા
કુદરતી આપત્તિમાં દરેક સ્થળાંતરીત નાગરીકને ત્રણ કિલો ચોખા સરકારી રાહે મફત મળવા પાત્ર છે. આથી, અમે પણ આવા શેલ્ટરહોમમાં સ્થળાંતરીત નાગરીકો માટે ‘ખારાભાત’નું ભોજન રાખ્યુ છે. અત્યાર સુધીમાં અંદાજે 35 હજારથી વધુ નાગરીકોનુ સરકારી કે સ્થાનિક ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છીક સંગઠનોના આશ્રયસ્થાનોમાં સ્થળાંતર થયુ છે. કાચા મકાનોમાં રહેતા પરીવારો સરળતાથી શેલ્ટરહોમમાં આવવા તૈયાર થયા પરંતુ, જેઓ પાકા મકાનોમાંથી ખસવાનો ઈન્કાર કરતા આવા નાગરીકોને ભોજન સહિતની બાબતોનું ધ્યાન રાખવાનું કહીને સ્થળાંતર માટે તૈયાર કરવામા આવ્યા છે.