નેશનલ

કેનેડાએ 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલાવાના નિર્ણય પર મૂક્યો અસ્થાયી પ્રતિબંધ

કેનેડાએ કહ્યું છે કે તે હાલ માટે સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને પાછા મોકલવાની પ્રક્રિયા બંધ કરશે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના નકલી પત્રો લઈને કેનેડા પહોંચ્યા હતા. ત્યારથી ભારત પરત મોકલવામાં આવે તેવા સમાચાર સામે આવી રહ્યાં હતા.

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે બુધવારે માહિતી આપી હતી કે કેનેડા ડઝનબંધ ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવાની યોજના હાલ માટે બંધ કરી રહ્યું છે.

મીડિયા સાથે વાત કરતા ફ્રેઝરે જણાવ્યું હતું કે કથિત ઇમિગ્રેશન સ્કીમમાં કેનેડામાં પ્રવેશવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ ઘણા ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવા માટે ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા.

જોકે, કેનેડા પહોંચી ગયેલા 700 વિદ્યાર્થીઓને પરત મોકલવાનો ભય યથાવત છે. આ વિદ્યાર્થીઓ મુખ્યત્વે પંજાબના છે, જેમને કેનેડા દ્વારા કથિત નકલી પ્રવેશ ઓફરના કારણે ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસના રિપોર્ટ અનુસાર, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી મળેલા સ્વીકૃતિ પત્રો અંગે કેનેડા બોર્ડર એજન્સીએ તેમને કહ્યું હતું કે આ દસ્તાવેજો નકલી છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલી શકાય છે.

આ પણ વાંચો- આજે બિપરજોય ગુજરાત પર ત્રાટકશે; 150 કિમીની તીવ્ર ઝડપે ફુંકાશે પવન

તો બીજી તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ જાણતા ન હતા કે તેમને જે યુનિવર્સિટીના પત્ર મળ્યા છે તે નકલી છે. તેમણે ભારતના એક ઈમિગ્રેશન એજન્ટને દોષી ઠેરવ્યો જેણે તેમને યુનિવર્સિટીમાં આવેદન કરાવ્યું હતું.

ફ્રેઝરે પત્રકારોને જણાવ્યું હતું કે એક વિશેષ ટાસ્ક ફોર્સ દરેક વિદ્યાર્થીઓના કેસની તપાસ કરશે જેમને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. કેટલા વિદ્યાર્થીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે તે અંગે તેમણે ચોક્કસ જણાવ્યું ન હતું.

તેમણે કહ્યું, “વિદ્યાર્થીઓને પાછા મોકલવાની પ્રક્રિયા હાલમાં રોકી દેવામાં આવી છે. આ વચગાળાનો નિર્ણય છે. જ્યાં સુધી આ બાબત યોગ્ય રીતે વિચારવામાં ન આવે ત્યાં સુધી તેને કેનેડામાં રહેવાની કામચલાઉ પરવાનગી છે.

થોડા દિવસ પહેલા વિદેશ મંત્રીએ શું કહ્યું હતું

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન ત્યાંના 700 ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.

જયશંકરે કહ્યું હતું કે, “શરૂઆતથી જ વિદેશ મંત્રાલય અને હાઈ કમિશને વિદ્યાર્થીઓનો મામલો ઉઠાવ્યો છે. દોષિતોને સજા થવી જ જોઈએ. નવા અહેવાલોથી જાણવા મળ્યું છે કે કેનેડા સરકાર સ્વીકારી રહી છે કે જો વિદ્યાર્થીઓએ કંઈ અયોગ્ય કર્યું નથી તો તેમને દેશનિકાલ કરવા ખોટું ગણાશે. તેઓ એ પણ સ્વીકારે છે કે તેમને ઉકેલ શોધવો પડશે. મને લાગે છે કે કેનેડિયન સિસ્ટમ આ સંદર્ભમાં ન્યાયી છે.”

આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ

Back to top button