ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

આજે બિપરજોય ગુજરાત પર ત્રાટકશે; 150 કિમીની તીવ્ર ઝડપે ફુંકાશે પવન

ગુજરાતના દરિયાકાંઠે આજે વિનાશ વેરે તેવું ખુબ જ ખતરનાક બિપરજોય ચક્રવાતની એન્ટ્રી થઈ જશે. બિપરજોયથી બચવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ તો કરી લીધી છે પરંતુ 150 કિમીની ઝડપે પવન ફુંકાવાથી મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે જ હવામાન ખાતા દ્વારા દરિયાકાંઠે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.  ગુજરાત નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ધમાં આપેલું શક્તિશાળી બિપરજોય ચક્રવાત ઉત્તર-પૂર્વ દિશા એટલે કચ્છ તરફ વધ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે એટલે કે 15 જૂન ગુરૂવારે આ વાવાઝોડૂ સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં વિનાશ સર્જ તેટલી સ્પીડ એટલે કે 125થી લઈને 150 કિમીની ઝડપે કચ્છના જખૌ નજીક ત્રાટકશે.

આઠ દિવસથી સતત દિશા બદલતા બિપરજોય ચક્રવાતે બુધવારે પણ પોતાની દિશા બદલી હતી. બુધવારે બપોરે આગળ વધતું અટકી કલાકો સુધી સમુદ્રમાં જ ઘૂઘવાતું રહ્યું હોવાથી તીવ્રતા અને ગતિમાં આંશિક ઘટાડો થયો છે. જોકે, તે છતાં 150 કિમીની તોફાની પવનોનો ગુજરાતને સામનો કરવો પડશે. આ વાવાઝોડાની અસર ગુજરાતભરમાં જોવા મળશે. કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારના લોકોને પણ સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો- Biparjoy Update: CM ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડા અંગે ગાંધીનગરમાં યોજી બેઠક

વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

આજે વિનાશક વાવાઝોડૂ જમીન ઉપર આવવાનું હોવાથી પાછલા 24 કલાક ભારે ગણાઇ રહ્યાં છે. વાવાઝોડાના કારણે કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી ઉપર મહાસંકટ તોળાઈ રહ્યું છે. બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સજ્જ છે. તે ઉપરાંત સેનાની ત્રણેય પાંખો પણ બચાવ કામગીરી માટે સ્ટેન્ડબાય છે. બિપરજોય પહેલા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમરા વરસાદ પણ થયો છે.

તંત્ર દ્વારા જાનહાનિ ના થાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. તો ટેલિકોમ કંપનીઓએ પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકો કોઈપણ મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી શકશે તેવી જાહેરાત કરી છે. ટેલિકોમ કંપનીઓએ જાહેરાત કરી છે કે, સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાયી રીતે બંધ હોય તો બીજા કોઈ પણ કંપનીની સેવાનો ઉપયોગ કરી શકાશે, આ સેવાનો લાભ લેવા માટે મોબાઈલ સેટિંગ્સ-સિમકાર્ડ-મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે, 1998માં કંડલા ઉપર ત્રાટકેલા વાવાઝોડાએ ચારેબાજું વિનાશ વેર્યો હતો. તે સમયે 1000થી પણ વધારે લોકોના મોત નિપજ્યા હતા. કંડલા ખાતેથી ઉંડીને મસમોટા કન્ટેનર ગાંધીધામ પાસે આવીને ખાબક્યા હતા. વિચાર કરો કે હજારો ટનના કન્ટેનર કંડલાથી ગાંધીધામ નજીક એટલે કે દસ કિલોમીટર સુધી ફંગોળાયા હશે તો કેટલું પ્રચંડ વાવાઝોડું હશે. તેથી આ વખતે પણ સરકારી તંત્રે પૂરતી તૈયારી કરી છે પરંતુ કુદરત સામે કોઈનું જોર ચાલતું નથી. તેથી વ્યક્તિગત સાવધાની રાખવી અને સલામત સ્થળે રહેવું વધારે યોગ્ય રહેશે.

આ પણ વાંચો- કેન્દ્ર અને રાજ્ય સરકારની મેરેથોન બેઠકો; હાઈ ટાઈટનું એલર્ટ! જાણો બિપરજોય વિશે અત્યાર સુધીની તમામ માહિતી

Back to top button