ટોપ ન્યૂઝનેશનલ

આસામથી LIVE: હોટેલ રેડિસન બ્લૂમાં બંધ બારણે મિટિંગ, સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ વીડિયો કોન્ફરન્સિંગથી જોડાશે

Text To Speech

નેશનલ ડેસ્કઃ હાલ મહારાષ્ટ્રના તમામ બળવાખોર ધારાસભ્યોને આસામના ગુવાહાટીમાં આવેલી હોટેલ રેડિસન બ્લૂમાં રાખવામાં આવ્યાં છે. આ બળવાખોર ગ્રુપના નેતા એકનાથ શિંદે હાલ તમામ ધારાસભ્યો સાથે બંધ બારણે મિટિંગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે હાલ તમામ ધારાસભ્યો પાસેથી મહારાષ્ટ્ર સરકારનું સમર્થન પાછું ખેંચ્યાનો પત્ર લઈ રહ્યાં છે અને તેને મહારાષ્ટ્રના રાજ્યપાલને મોકલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ વીડિયો કોન્ફરન્સિંગથી તમામ ધારાસભ્યો સાથે જોડાવવાના છે. ત્યારે મહારાષ્ટ્રની સરકાર બચશે કે પડશે તે અંગે કશું કહી શકાય તેમ નથી.

સુરતથી મધરાતે શિવસેનાના MLAને ગુવાહાટી ખસેડ્યાં
સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યોને સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી લઈ જવામાં આવ્યાં છે. આ દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિસનમાં લઈ જવાય એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસિવ કરવા માટે પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે હજુ 2 MLA મહારાષ્ટ્રથી ગુવાહાટી જવા રવાના થયા છે. તે બંને એકનાથ શિંદેના સપોર્ટમાં પહોંચ્યા છે.

કુલ 40 ધારાસભ્યો સામેલ
હકીકતમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ખજૂરાહોકાંડ’ સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સાથે સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમસ રોડ પર આવેલી લા-મેરિડિયન હોટલમાં રોકાયા હતા.

એકનાથ શિંદે – ફાઇલ તસવીર

ઉદ્ધવ ભાજપ સાથે સરકાર બનાવેઃ એકનાથ શિંદે
ત્યારબાદ રાત્રે 2 વાગ્યાની આસપાસ ત્રણ બસમાં ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. પડદાવાળી બસ હોવા છતાં ધારાસભ્યોએ પડદા હટાવીને મીડિયા સામે બાય-બાય, ટાટા કરતા હોય તે રીતે સુરતથી રાજીખુશીથી નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટ ખાતે એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મારી એવી ઈચ્છા છે કે ભાજપ સાથે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ. મે શિવસેના છોડી નથી.

Back to top button