અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે.ગઈ કાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે.
રાજ્યના માથે બિપરજોયનો ખતરો
બિપરજોય ચક્રવાત ને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફોલ કરશે તેવી આશંકા વ્યક્ત કરવામા આવી છે. તેમજ આ વાવાઝોડું 15 જૂનને ગંભીર સ્વરુપ ધારણ કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામા આવી છે. અરબી સમુદ્રમાં બનેલું તોફાની વાવાઝોડું બિપોરજોય જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર છે આજે IMDએ આ વાવાઝોડાને લઈને રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે આ વાવાઝોડાની અસરને પગલે ગઈ કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ દ્વારકા તાલુકામાં 4 ઈંચ અને કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉપલેટાના જામજોધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, મેંદરડામાં અઢી ઈંચ , જૂનાગઢ તાલુકામાં અઢી ઈંચ, પોરબંદર, વંથલી અને કચ્છના માંડવીમાં બે બે ઈંચ, સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ શહેરમાં પોણા બે ,ખાંભા, લાલપુર, ધોરાજીમાં પોણા બે , માળીયા હાટીના, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ, તાલાલા, વિસાવદરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ, જામકંડોરણા, વેરાવળ, કેશોદમાં દોઢ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાત માટે 15 જૂનનો દિવસ ભારે
મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડાને કારણે 15મી જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા 15 મી જૂનના રોજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 15 જૂને, ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી જવાની ધારણા છે.
આ પણ વાંચો : જાણો ક્યારે ટકરાશે બિપોરજોય વાવાઝોડુ, કેટલુ થશે નુકશાન