નેશનલ ડેસ્કઃ સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યોને સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી લઈ જવામાં આવ્યાં છે. આ દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિસનમાં લઈ જવાય એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસિવ કરવા માટે પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે હજુ 2 MLA મહારાષ્ટ્રથી ગુવાહાટી જવા રવાના થયા છે. તે બંને એકનાથ શિંદેના સપોર્ટમાં પહોંચ્યા છે.
હકીકતમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ખજૂરાહોકાંડ’ સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સાથે સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમસ રોડ પર આવેલી લા-મેરિડિયન હોટલમાં રોકાયા હતા.
ત્યારબાદ રાત્રે 2 વાગ્યાની આસપાસ ત્રણ બસમાં ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. પડદાવાળી બસ હોવા છતાં ધારાસભ્યોએ પડદા હટાવીને મીડિયા સામે બાય-બાય, ટાટા કરતા હોય તે રીતે સુરતથી રાજીખુશીથી નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટ ખાતે એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મારી એવી ઈચ્છા છે કે ભાજપ સાથે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ. મે શિવસેના છોડી નથી.
ધારાસભ્યોને ખાસ વિમાન મારફતે લઇ જવાયા
ત્રણ બસ લા મેરિડિયન હોટલ ખાતે પહોંચી ગઈ હતા. ગણેશ, મા કૃપા અને નીતા નામની બસ હોટેલ કેમ્પસમાં ગઈ હતી અને તમામ ધારાસભ્યોને બસમાં બેસાડવામાં આવ્યા હતા. હોટલની અંદરથી બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી આસામના ગુવાહાટી ખાતે તમામ ધારાસભ્યોને ખાસ વિમાન મારફતે રવાના કરવામાં આવ્યા છે.