બિપરજોય વાવાઝોડાની સંભાવનાને પગલે દ્વારકામાં હર્ષ સંઘવીએ વ્યવસ્થાની કરી સમીક્ષા
- ગૃહમંત્રીએ સાયકલોન સેન્ટરની લીધી મુલાકાત
- લોકોને અપાતા ફૂડ પેકેટની ચકાસણી કરી ગુણવત્તા યુક્ત ખાવાનું મળે તેની ટકોર કરી
- રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાથે દરિયાઈ વિસ્તારનું નિરીક્ષણ કર્યું
સૌરાષ્ટ્રમાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે દેવભૂમિ દ્રારકામાં નીચાણવાળા વિસ્તાર તેમજ દરિયાકાંઠાની નજીક વસતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જાનમાલની નુકશાની ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપાઈ હોય તેઓએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ તકે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ દ્વારકા પહોંચ્યા હતા અને તેઓએ જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી સાથે દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં સમીક્ષા કરી હતી અને કોઈપણ વ્યક્તિ દરિયામાં ફસાઈ ન જાય તેની પણ કાળજી લીધી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારેથી સાંજ સુધીમાં વિવિધ સ્થળોએ જઈને ત્યાંની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. લોકોને જ્યાં રોકાણ કરવા મોકલવામાં આવ્યા છે તે સાયકલોન સેન્ટરની વ્યવસ્થા જોઈ હતી. તેઓને જરૂરિયાત મુજબની વસ્તુઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.
સ્થળાંતર કરવામાં આવેલા લોકોને પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગે પણ ગૃહમંત્રીએ તપાસ કરી હતી અને તમામને ગુણવત્તા યુક્ત જમવાનું મળે તેવી પણ ટકોર કરી હતી. આ ઉપરાંત જે લોકો કોઈ પીડા કે બીમારીથી પીડાતા હોય તેમના માટે સારવારની વ્યવસ્થા અંગે પણ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને જોતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરિયાકાંઠાના ગામો અને વિસ્તારોમાં નજર રાખવા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે રાજ્યના દરેક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેના ભાગરૂપે ગૃહમંત્રી હર્ષ સંઘવી બે દિવસ પહેલા દ્વારકા આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત તેમણે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.