ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યના નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો ખાસ સંદેશ; જૂઓ શું કરી અપીલ

Text To Speech

બિપરજોય ચક્રવાતનો ખતરો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગુજરાત પર તોળાઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં જાનહાનિ ટાળવા માટે રાજ્ય સરકારે તંત્રને કામે લગાડી દીધો છે. આ બાબતે રાજ્યના સીએમ સહિત તમામ નેતાઓ પણ ચક્રવાત ઉપર સતત નજર રાખી રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોના નામે એક સંદેશ જાહેર કર્યો છે. આ સંદેશમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને બિપરજોય ચક્રવાતને લઈને સાવચેત રહેવા માટે નમ્ર અપીલ કરી છે.

ભૂપેન્દ્ર ભાઈ પટેલે પોતાના સંદેશમાં કહ્યું કે, “રાજ્ય સરકારે આગોતરા બચાવ, રાહત વ્યવસ્થાનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સુચનાઓ નિર્દેશિકાનું આપણે સૌ લોકોએ પાલન કરવું જોઈએ. ખાસ કરીને ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નીકળવાનું ટાળીએ. “

તે ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલાહ આપતા કહ્યું કે, “વૃક્ષ નીચે, થાભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશરો લેવાનું ટાળીએ. વિજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દુર રહીએ. જરુરીયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરો અને સુચનાઓનું પાલન કરો. તથા આપની અને આપના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે સલામતી અને સાવચેતી જ આવી આપત્તિ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે, જેને અનુસરવી જોઈએ. રાજ્ય સરકાર દિવસ રાત આપણા સૌની સલામતી માટે સેવારત છે. જય જય ગરવી ગુજરાત.”

આ પણ વાંચો: વાવાઝોડાની આફત ટાળવા પૂર્વમંત્રીએ કરી દરિયાદેવની પૂજા

Back to top button