ગુજરાતના વાહન-વ્યવહાર પર બિપરજોયની અસર: 350થી વધુ બસ રદ તો કેટલાકના રૂટમાં કરાયો ફેરફાર
-
રાજ્યમાં બિપરજોય ચક્રવાતના કારણે ગુજરાત ST નિગમ અને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને બસો અને ટ્રેનો રદ સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમજ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
એસટી વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરી દીધી છે, તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
એસટીની સાથે સાથે કેટલીક ટ્રેનો પણ રદ:
તો બીજી બાજુ રેલવે વિભાગ દ્વારા પણ મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલાક સ્ટેશનો સુધી જ ટ્રેનો ચલાવવામાં આવશે.
રેલવે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી ઉપડતી ટ્રેનો હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી ઉપડશે. કુલ 25 જેટલી આવી ટ્રેનો જે ઓખા અને પોરબંદરથી અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જાય છે તે આ ત્રણ સ્ટેશન ઉપરથી ઉપડશે, તેઓ નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા:
બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતી માટે એસટી વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરી દીધી છે, તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.
બનાસકાંઠા ST વિભાગ પણ બન્યું સતર્ક:
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાંના ખતરાને જોતા બનાસકાંઠા એસટી વિભાગ પણ સતર્ક બન્યું છે. વાવાઝોડાંને લઈ ટ્રેન તેમજ એસટી બસના સૌરાષ્ટ્ર તરફના તમામ રૂટ રદ કરવામાં આવ્યાં છે. જામનગર, દ્વારકા, પોરબંદર તરફ જતી એસટી બસોના રૂટ રદ કરાયા છે. આ ઉપરાંત ગાંધીધામની બે ટ્રેન તેમજ લોકલ જોધપુર-સાબરમતી ટ્રેન રદ કરાઈ છે. તેમજ ભારે પવનના કારણે ટ્રેનના કેટલાક રૂટોને ટૂંકાવી દેવાયા છે.