હવામાન વિભાગની નવી આગાહી : બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાત’માં ફેરવાયું
ગુજરાત તરફ આગળ વધી રહેલું ચક્રવાત ‘બિપરજોય’ તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વાવાઝોડું 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. હાલમાં સરકારે બચાવ અને રાહત કાર્ય માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે તાજેતરમાં IMDએ માહિતી આપી છે કે આ વાવાઝોડાએ ગંભીર રુપ ઘારણ કરી લીધું છે. જેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.
‘બિપરજોય’થી ભારે નુકસાન થવાની ધારણા
ચક્રવાત ‘બિપરજોય’થી ભારે નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી. IMD અનુસાર, ચક્રવાત ‘બિપરજોય’ 15 જૂનની સાંજે ‘અત્યંત ગંભીર ચક્રવાત’ તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના
IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં આટલો વરસાદ પડતો નથી.” તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.
દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન
IMD અનુસાર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. આ જિલ્લાઓમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા ભરતીના મોજા આવી શકે છે, આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવે છે.”
આ પણ વાંચો : ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યને શ્રીનગરથી દબોચ્યો, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લવાશે