ગુજરાત

રાજકોટમાં નિવૃત પોલીસકર્મી સામે જ નોંધાયો ગુનો, જુઓ શું છે કારણ ?

Text To Speech
રાજકોટમાં એક નિવૃત પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે. જિલ્લાના શાપર-વેરાવળમાં રહેતી વિધવા મહિલાને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મોચીનગરમાં રહેતા નિવૃત્ત જમાદારે લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી દૂષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરીયાદી મહિલાના પતિનું અકસ્માતે દાઝી જતાં થયું હતું અવસાન
મળતી માહિતી મુજબ વેરાવળમાં રહેતી 39 વર્ષની વિધવા મહિલાએ રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારના મોચીનગરમાં રહેતા નિવૃત્ત જમાદાર દેવશી મેધજી પરમાર સામે એક વર્ષ સુધી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમાં વિધવાએ જણાવ્યું હતું કે વર્ષ 2001માં તેના લગ્ન ચોટીલા ખાતે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેને એક પુત્ર અને ત્રણ પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. દરમ્યાન તેના પતિનું અકસ્માતે દાઝી જતા મોત નીપજ્યું હતું. બાદમાં તે સંતાનો સાથે શાપરમાં રહેતા માતાને ત્યાં રહેવા ચાલી ગઇ હતી. ત્યારબાદ બંન્ને માતા પુત્રી સહિતનો પરિવાર રાજકોટમાં કટારીયા શોરૂમની સામે લક્ષ્મીના ઢોરે રહેવા આવી ગયો હતો.
વિકલાંગ માતાએ પોલીસકર્મીને બનાવ્યો હતો ભાઈ, આર્થીક મદદ પણ કરતો
જ્યાં મહિલાના વિકલાંગ માતાએ નિવૃત્ત જમાદાર દેવશી પરમારને પોતાનો ભાઇ માન્યો હોય જે તેઓનું ગુજરાન ચલાવવા માટે આર્થિક મદદ કરતો હતો અને અવાર નવાર ધરે પણ આવતો હતો.
વિધવા મહિલા સાથે થઈ ગયો મનમેળ, લગ્નની લાલચ આપી બાંધ્યો શરીર સંબંધ
નિવૃત્ત જમાદાર ધરે આવતો હોવાથી તેની સાથે મહિલાને મનમેળ થઇ જતા તે તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. બાદમાં દેવશીએ તેને પોતાની જાળમાં ફસાવ્યા બાદ પોતે પરિવારના સભ્યોને છોડી દઇ લગ્ન કરી લેશે તેવી વાત કરી તેની સાથે શરીર સંબંધ બાંઘ્યા હતા. આટલેથી ન અટકતા દેવશી પરમારે વિધવાને ટીટોડીયાપરામાં ભાડાનું એક મકાન અપાવી દીધું હતું. જ્યાં તેના બાળકોને રાખી તે વિધવાનું ભરણપોષણ પણ કરતો હતો.
ત્રણેક મહિના ભાડાના મકાનમાં સાથે રહ્યો અને અચાનક છોડીને જતો રહ્યો
ટીટોડીયાપરાના ભાડાના મકાનમાં વિધવા મહિલા સાથે દેવશી ત્રણેક મહિના રોકાયો હતો અને અચાનક જ મહિલા તેમજ તેમના બાળકોને મુકી દેવશી ત્યાંથી ગુમ થઇ ગયો હતો. જેના કારણે ગત 13 જુનના રોજ મહિલા શાપરમાં રહેતી માતાને ત્યાં ચાલી ગઇ હતી.
દેવશી મહિલાના ઘરે ગયો, લખાણ કરેલા દસ્તાવેજોમાં સહી કરાવી લીધી
દરમ્યાન દેવશીને આ અંગેની જાણ થતા તે તેના ધરે ધસી ગયો હતો અને વિધવાને ગાળો ભાંડી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંઘ્યા બાદ કોઇ લખાણ કરેલા દસ્તાવેજમાં વિધવાની સહી કરાવી ત્યાંથી નીકળી ગયો હતો આમ આ બનાવમાં મહિલાએ આખરે પોલીસનો સહારો લઇ દેવશી પરમાર સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ કાજલ મકવાણાએ તપાસનો ધમધમાટ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Back to top button