જૈક ડોર્સીના આરોપો પર તત્કાલિન આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ
નવી દિલ્હી: ટ્વિટરના પૂર્વ સીઈઓ અને સહ-સ્થાપક જૈક ડોર્સી દ્વારા પોતાના એક ઈન્ટરવ્યુમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારે ભારતમાં ટ્વિટરની ઓફિસો બંધ કરવાની ધમકી આપી હતી અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તત્કાલીન આઈટી મંત્રી અને વર્તમાન સાંસદ રવિશંકર પ્રસાદે હવે જૈક ડોર્સી ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું છે કે ટ્વિટર યુએસ કોંગ્રેસ અને બ્રિટિશ સંસદમાં સામે રજૂ થાય છે પરંતુ ભારતની સંસદીય સમિતિ સમક્ષ હાજર થતું નથી. તેઓએ અમારા નિયમોનું પાલન કર્યું ન હતું.
જૈક ડોર્સી ના નિવેદન પર રવિશંકર લાલઘૂમ
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “આ લોકોએ મહિલાઓની ખોટી તસવીરો ટ્વીટ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. આ ટ્વિટર લોકો એ જ હતા જે યુએસ કોંગ્રેસમાં હાજર થશે, બ્રિટિશ સંસદમાં હાજર થશે પરંતુ ભારતીય સંસદીય સમિતિ સમક્ષ હાજર થશે નહીં. તે સમયે તેમણે ન તો ભારતના બંધારણને સ્વીકાર્યું ન તો ભારતના કાયદાનું પાલન કર્યું.
આ પણ વાંચો- જૈક ડોર્સી પાસે જૂઠ બોલવાનું કોઈ કારણ નથી પરંતુ સરકાર પાસે અનેક: કપિલ સિબ્બલ
“અમે કહ્યું સૌથી મોટી વાત એ છે કે તમે તમારું એકાઉન્ટ વેરિફાઈ કરો. ઘણી વખત પાકિસ્તાન તરફથી અનવેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી ટ્વીટ કરવામાં આવતા હતા જે આતંકવાદીઓને સમર્થન આપતા હતા. તેમણે આ બધું કર્યું નથી, જૈક ડોર્સીએ કર્યું છે, તે બધી બાબતો સામે આવી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સન્માન કરવામાં આવે છે, ભારતમાં લોકશાહી છે પરંતુ ભારતના કાયદાનું પાલન કરવું પડશે.
#WATCH | “At the time, Twitter didn’t comply with Indian laws. It is clear that all social media platforms are respected in India but they have to abide by the law of the land”: Former IT Minister RS Prasad on former Twitter CEO Jack Dorsey’s claim on ‘pressure’ from India pic.twitter.com/Bq51EgszzV
— ANI (@ANI) June 13, 2023
“જૈક ડોર્સીનો દાવો ખોટો છે. જો લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું, જે સાચું છે અને જો તે સામગ્રીને રોકવાનું કહેવામાં આવ્યું છે તો તેમાં ખોટું શું છે. પહેલા તેઓએ કહ્યું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પછી તેઓ અમારી સાથે સંમત થયા. ટ્વિટર પર મહિલાઓની વાંધાજનક તસવીરો આપવામાં આવી રહી હતી, તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નહતી. અમે કહ્યું કે તમારે કામ કરવું પડશે.”
જૈક ડોર્સીએ ઇન્ટરવ્યુમાં શું કહ્યું
જૈક ડોર્સીએ સોમવારે યુટ્યુબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો હતો.
જૈક ડોર્સીને ‘શક્તિશાળી લોકો’ની માંગને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નમાં ભારતનું નામ પણ લેવામાં આવ્યું ન હતું.
તેના જવાબમાં જૈક ડોર્સી એ કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારે ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી.
જૈક ડોર્સી ને પૂછવામાં આવ્યું હતું કે, “દુનિયાભરમાંથી શક્તિશાળી લોકો તમારી પાસે આવે છે અને તમામ પ્રકારની માંગણીઓ કરે છે, તમે નૈતિક સિદ્ધાંતોના માણસ છો, તમે આ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર નીકળો છો?”
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “ઉદાહરણ તરીકે ભારત એક એવો દેશ છે, જ્યાંથી ખેડૂત આંદોલન દરમિયાન અમારી પાસે ઘણી માંગણીઓ આવતી હતી. અમુક પત્રકારો તેમના વિશે સરકારની ટીકા કરતા હતા. એક રીતે અમને કહેવામાં આવ્યું કે અમે ભારતમાં ટ્વિટર બંધ કરીશું, ભારત અમારા માટે એક મોટું બજાર છે. તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા પાડશે, જે તેઓએ કર્યું પણ હતું. જો તમે અમારી વાત નહીં સાંભળો તો અમે તમારી ઓફિસ બંધ કરી દઈશું. આ ભારતમાં થઈ રહ્યું હતું, જે લોકશાહી દેશ છે.”
આ પણ વાંચો- ટ્વિટરના સંસ્થાપક જૈક ડોર્સીએ કહ્યું; ભારત સરકારે આપી હતી ધમકી- મોદી સરકારે શું આપ્યો જવાબ?