રાજકોટ શહેરનાં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં આવેલ પટોળાના શો-રૂમમાં મંગળવારે વહેલી સવારે અજાણ્યા શખસો ત્રાટક્યા હતા અને દુકાનનું શટર ઉંચકી કાચનો દરવાજો તોડી તેમાંથી રૂ. 75 લાખની કિંમતના પટોળાની ચોરી કરી લઇ કારમાં ભાગી ગયા હતા. કારમાં આવેલા શખસોને ચોકીદારે જોયા હોય તેણે ટપારવાની કોશિષ કરી હતી પરંતુ એટલીવારમાં તસ્કરો ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. આ બનાવ અંગે ચોકીદારે શો-રૂમના માલિકને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો.
આ બનાવમાં ડીસીબી ઝોન-2ની સૂચનાથી એ-ડિવિઝન પોલીસ, ક્રાઇમબ્રાંચ તેમજ એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. દુકાનનાં માલિક મોટેભાગે એક્ઝિબિશન માટે બહાર હોય અને દુકાન લગભગ બંધ હોય જેથી ચોરીને અંજામ આપવા આવેલા શખસો કોઇ જાણભેદુ હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે.
શો રૂમમાં કાચનો દરવાજો તોડતા ચોકીદાર જાગી ગયા, ટપારવા ગયો પણ ભાગી ગયા
મળતી માહિતી મુજબ સર્વેશ્વર ચોક જાગનાથ પ્લોટ-25/બની સામે સેફાયર કોમ્પલેક્ષમાં આવેલ વી.જે. સન્સ પટોળા નામના શો-રૂમમાં મંગળવારે વહેલી સવારે શટર ઉંચકાવી અંદરનો કાચનો દરવાજો તોડી પટોળાનો મોટો જથ્થો અજાણ્યા શખસો દ્વારા ચોરી કરી લેવામાં આવ્યો હતો. શો-રૂમના કાચના દરવાજાને તૂટતા તેનો અવાજ સાંભળી કોમ્પલેક્ષના ચોકીદાર બલબહાદુર અને તેની પત્ની દોડી આવ્યા હતા. જો કે, તેઓને આ ચોરીની ઘટનાની ખબર પડે અને તસ્કરોને તેઓ જુએ એટલીવારમાં અજાણ્યા શખસો ત્યાંથી મુદ્દામાલ લઇ કારમાં ભાગી ગયા હતા.
ચોકીદારે શો રૂમ માલિકને કરી જાણ
આ બનાવ અંગે ચોકીદારે દુકાનનાં માલિકને જાણ કરતાં વિરાણી હાઇસ્કૂલ પાછળ, રામકૃષ્ણનગર-3માં રહેતા વિપુલ જીવરાજભાઇ વાઢેર (ઉ.વ.42) નામના વેપારી તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે તેઓએ એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ સી.જી. જોશી અને સ્ટાફ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ તથા એસીપી જે.એસ. ગેડમ અને સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પોલીસે શો-રૂમના માલિક વિપુલભાઇની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, દુકાનમાં રાખેલા અંદાજે રૂ. 75 લાખની કિંમતના મોંઘાદાટ પટોળાના ચારેક પાર્સલની ચોરી કરી લેવામાં આવી છે. આ બનાવમાં ડીસીપી ઝોન-2ની સૂચનાથી એ-ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઇમબ્રાંચના પીએસઆઇ એ.બી. વોરા તથા એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. તેઓએ કોમ્પલેક્ષના ચોકીદારની પૂછપરછ કરતા સફેદ કલરની ઇકો કારમાં અજાણ્યા શખસો આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ અને ચોકીદારે તેને ટપારે તે પહેલાં જ તેઓ ચોરી કરીને ભાગી ગયા હોવાનું જણાવતા પોલીસે ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે વિપુલભાઇની ફરિયાદના આધારે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરવા તજવીજ શરુ કરી છે.
ગત શનિવારે જ હરિયાણા અને રાજસ્થાનથી આવેલો માલ મુકવા દુકાન ખોલવામાં આવી હતી
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર ચોકમાં આવેલી વી.જે. સન્સ પટોળા શો-રૂમમાં આજે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા જેઓએ મોંઘાદાટ પટોળાના ચારેક જેટલા પાર્સલ જેની કિંમત અંદાજે રૂ. 75 લાખ થતી હોય તેની ચોરી કરી લીધી હતી. આ બનાવમાં પોલીસે શો-રૂમના માલિક વિપુલભાઇ વાઢેરની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, શો-રૂમ મોટાભાગે બંધ રહેતો હતો પરંતુ ગત શનિવારે હરિયાણા અને રાજસ્થાનથી પટોળાનો માલ આવ્યો હોય જેથી બપોરે 2થી 2:30 વાગ્યા સુધીના અડધી કલાકના સમયગાળા માટે દુકાન ખોલવામાં આવી હતી અને તેમાં પાર્સલ મુકી ફરીથી દુકાન બંધ કરી દેવામાં આવી હતી.
શો-રૂમની અંદરના સીસીટીવી કેમેરા બંધ, તસ્કરોની કારની નંબરપ્લેટ ઉપર ચુંદડી બાંધેલી હતી
સર્વેશ્ર્વર ચોકમાં આવેલ વી.જે. સન્સ પટોળા શો-રૂમમાં આજે વહેલી સવારે અજાણ્યા શખસો દ્વારા ચોરી કરવામાં આવી હતી. રૂ. 75 લાખની કિંમતના મોંઘાદાટ પટોળાના ચારેક પાર્સલ તસ્કરો દ્વારા સફેદ કલરની ઇકો કારમાં ચોરી કરી લઇ જવામાં આવ્યા હોવાનું કોમ્પલેક્ષના ચોકીદારે પોલીસને જણાવ્યું હતુ. વધુમાં ચોકીદારના જણાવ્યા મુજબ જે કારમાં તસ્કરો આવ્યા હતા તે કારની નંબરપ્લેટ ઉપર ચુંદડી બાંધી દેવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, શો-રૂમની અંદર લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા જેથી ચોરી કરવા આવેલા શખસોને આ માલૂમ હોય અને તેણે ગુનાને અંજામ આપ્યો હોય જેથી આ બનાવ પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવો જોઇએ.