- 48 કલાકમાં વાવાઝોડું ગમે તે ઘડીએ સૌરાષ્ટ્ર – કચ્છમાં ત્રાટકશે
- તમામ જિલ્લાનું વહીવટી તંત્ર હાલ ખડેપગે
- રાજ્યના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફરજ ઉપર હાજર
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ભારે ગતિ સાથે આગળ વધી રહ્યું છે. 48 કલાકમાં ગમે તે ઘડીએ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ થઈ શકે છે. જો કે હાલ વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 430 કિલોમીટર દૂર છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. દરમિયાન ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.
ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડવામાં આવી
આ અંગે મળતી માહિતી મુજબ આજે સોમવારે સાંજે ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં વંટોળિયા ના કારણે પસાર થતાં બે પિતરાઈ ભાઈ બહેનના ઈંટોની દીવાલ તળે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા હતા. હતભાગી ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભાર દસ ફૂટ દૂર રહેલા ઘર તરફ જતા હતા ત્યારે ખાલી પ્લોટની બાઉન્ડ્રી વોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પવન સાથે વંટોળિયો સર્જાતાં દીવાલ પાસે ઊભા રહી ગયા હતા તે જ વેળાએ દીવાલ ધરાશાઈ થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોષનબેન કુંભાર ઈંટની દીવાલ તળે દબાઈ ગયા હતા , જેમને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જુહુના દરિયામાં ગુમ 4ની શોધખોળ
બીજી તરફ મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા જૂહુ બિચ પાસે દરિયાઈ મોજાંના કારણે 6 યુવક ડૂબી ગયા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા 2ને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે 4 અન્ય લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા સગીરોની ઉંમર 12થી 15 વર્ષની હોવાનું કહેવાય છે. બધા છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર નાહ્વા ગયા હતા જ્યાં તેમની સાથે આ દુર્ઘટના ઘટી હતી. દરિયામાં ઉછળતા ઉંચા મોજાને કારણે રાહત અને બચાવ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના સોમવારે સાંજે બની હતી.