બનાસકાંઠા: વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
પાલનપુર: આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એલર્ટ રહેવાની સુચના અપાઇ હતી.
પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી સુચના અપાઇ
બેઠકમાં કલેકટરએ અધિકારીઓને હેડક્વાર્ટર પર એલર્ટ મોડમાં રહેવાની સુચના આપતા જણાવ્યું કે, આગામી તા. 14 જૂન પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઝડપી પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હોવાથી કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે તમામ વ્યવસ્થા અત્યારથી જ કરી લેવામાં આવે. વીજ પુરવઠો ખોરવાય તેવી સ્થિતિ સર્જાય તો અત્યારથી જ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરી રાખવી, ભારે પવનને કારણે વીજ પોલને નુકશાન થાય તો તેના સમારકામ અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રાખવા. તમામ સરકારી કચેરીઓમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે પાવર બેકઅપની વ્યવસ્થા રાખવા, સ્થળાંતર અને આશ્રયસ્થાનો માટે શેલ્ટર હોમની જરૂરીયાત ઉભી થાય તો સ્કુલોની ચાવીઓ હાથવગી રાખવા, વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પંપ, રસ્તાઓ પરના વૃક્ષો દૂર કરવા જે.સી.બી., ટ્રેક્ટર, ક્રેન સહિતના સાધનો તૈનાત રાખવા કલેકટરએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની 40 જેટલી ટીમો તૈનાત
કલેક્ટરએ ધાનેરા રેલ નદીના વહેણ વિસ્તારમાં આવતા ગામોના સરપંચઓ, તલાટીઓ અને ગામલોકોને અગાઉથી જાણ કરવા તથા નદીની સ્થિતિ વિશે દર બે કલાકે એનાઉન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમણે તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા સ્ટોક સાથે મેડીકલ ઓફિસરને હાજર રાખવા જણાવ્યું છે. જિલ્લામાં ૧ એસ.ડી.આર.એફ. ની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ત્રણ દિવસ માટે યોજાનાર શાળા પ્રવશોત્સવ બિપોરજોય વાવાઝોડાના કારણે ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે એટલે કે, તા. ૧૨ અને ૧૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે.
પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પોલીસના જવાનો BSF અને SDRF સાથે સંકલનમાં રહી કામગીરી કરશે. લોકોને બિપોરજોય વાવાઝોડા અંગે અગાઉથી જાણકારી આપવા માટે પોલીસ ઓડીયો ક્લીપ બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરશે. તેમણે મહેસુલી તંત્ર સાથે રહીને પોલીસના વાહનો લોકોના સ્થળાંતર માટે ઉપયોગમાં લેવામાં આવે તેની સુચના આપી હતી. રસ્તાઓ ખુલ્લા કરવા માટે પોલીસ વિભાગ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘ, તમામ પ્રાંત અધિકારીઓ, BSF અધિકારીઓ સહિત તાલુકા કક્ષાએથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ જોડાયા હતાં.