બિપોરજોય વાવાઝોડાની અસર, પોરબંદર અને ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ
બિપોરજોય વાવાઝોડુ જેમ-જેમ ગુજરાત નજીક આવી રહ્યું છે તેમ-તેમ ગુજરાતના દરિયાકાંઠા પર તેની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર પહેલા વાવાઝોડાના કારણે 9 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર અને ઓખા બંદર પર 9 નંબરના સિગ્નલ હટાવી હવે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેનો સીધો મતલબ એ છે કે વાવાઝોડુ વધુ તીવ્ર બની રહ્યું છે અને તેની અસર પણ વધી રહી છે.
10 નંબર- મહાભય સૂચવતું સિગ્નલ
પોરબંદર અને ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે મહાભય સૂચવે છે અને બિપોરજોય વાવાઝોડાની કેટલી તીવ્ર અસર છે તે પણ સૂચવે છે.
પોરબંદરમાં દરિયાકાંઠે મંદિરની દિવાલ ધરાશાયી
પોરબંદરમાં બિપોરજોય વાતાવરણની જોરદાર અસર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે પોરબંદરમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. પોલીસ વિભાગે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને દરિયા કાંઠાના વિસ્તારોનાં ન જવા અપીલ કરી છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે.
પોરબંદરમાં ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનો સ્ટાફ તૈનાત છે. આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો ભારે પવનના કારણે એમ.જી.રોડ પર કેબલ ડિશ પડતા એક વ્યક્તિને ઇજા થઈ છે. દરિયાકાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઈ છે.
વાવાઝોડાને પગલે દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયું છે.
દેવભૂમિ દ્વારકા તંત્ર વાવાઝોડાને લઈને એલર્ટ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 1:30 વાગ્યે જીલ્લા મથકે સમીક્ષા બેઠક કરી હતી. જિલ્લાના અધિકારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી ચર્ચા કરી હતી. અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 4,100 પરિવાર માંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. અન્ય લોકોની આજે સ્થળાંતર કરવાની કામગીરી કરાશે. વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર ટીમ પણ તૈનાત કરાઈ છે. 1 NDRF અને 1 SDRF ની ટીમ દ્રારકામાં તૈનાત કરાઈ છે. લોકોને દરીયા કાંઠાનો પ્રવાસ ટાળવા અને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.